વાંકાનેર તાલુકાના ખેડૂતોને ખેતી માટે 10 કલાક વીજળી આપવા માંગ
જિલ્લા પંચાયત સભ્ય કુલસુમબેન અકબરભાઈ બાદીએ કલેક્ટર અને PGVCL સમક્ષ રજૂઆત કરી.
વાંકાનેર: વરસાદની અછતની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વાંકાનેર તાલુકાના ખેડૂતોને ખેતી માટે હાલ આપવામાં આવતી વીજળીના પુરવઠામાં વધારો કરી 10 કલાક વીજળી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ અંગે મોરબી જિલ્લા પંચાયતના વાંકાનેર તાલુકાના સભ્ય કુલસુમબેન અકબરભાઈ બાદીએ જિલ્લા કલેક્ટર તેમજ PGVCL સમક્ષ લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી મોરબી જિલ્લામાં ચોમાસા દરમિયાન અપેક્ષિત પ્રમાણમાં વરસાદ થયો નથી. વરસાદ પૂરતો ન થવાના કારણે સમગ્ર જિલ્લામાં ખેતીલાયક જમીનમાં ભેજની અછત સર્જાઈ છે અને ખેડૂતોના ઉભા પાકને પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.
ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલા પાકને બચાવવા માટે હાલમાં સિંચાઈ માટેનો મુખ્ય આધાર ખેતીવાડી વીજ જોડાણ પર રહેલો છે. વરસાદના અભાવે પાકમાં સમયસર સિંચાઈ કરવી અત્યંત જરૂરી બની છે. પરંતુ હાલ ખેડૂતોને ખેતીવાડી વીજ જોડાણમાં આપવામાં આવતી 8 કલાકની વીજળીના પુરવઠાથી પાકને પૂરતું પાણી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
આથી મોરબી જિલ્લાના ખેડૂતોના હિત તેમજ વરસાદની અછતની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ હાલના 8 કલાકના ખેતીવાડી વીજ પુરવઠામાં વધારો કરી 10 કલાકનો વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ખેડૂતોના ઉભા પાકને નુકસાનથી બચાવવા તેમજ ખેતીમાં થતા ખર્ચ અને નુકસાનમાં વધારો ન થાય તે માટે આ બાબતે તાત્કાલિક હકારાત્મક નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી અને ટંકારા તાલુકાના આગેવાનો દ્વારા પણ આ પૂર્વે ખેતીવાડી વીજ જોડાણમાં 10 કલાક વીજળી આપવાની માંગ કરવામાં આવી હતી અને આ માંગનો PGVCL દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હવે વાંકાનેર તાલુકાના આગેવાન દ્વારા પણ ખેડૂતોના હિતમાં 10 કલાક વીજળી આપવાની માંગ કરવામાં આવી છે ત્યારે PGVCL વાંકાનેર તાલુકાની આ માંગ ક્યારે સ્વીકારશે અને વાંકાનેરના ખેડૂતોને ખેતી માટે 10 કલાક વીજળીનો લાભ ક્યારે મળશે, તે જોવાનું રહ્યું.


