વાંકાનેર સિટી તલાટી રેવન્યુ વિસ્તારની સોસાયટીઓને નગરપાલિકામાં સમાવવાની માંગ.

વાંકાનેર : વાંકાનેર સિટી તલાટી રેવન્યુ વિસ્તારની બિનખેતી રહેણાંક સોસાયટીઓનો વાંકાનેર નગરપાલિકા હદ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત કોંગ્રેસના નગરપાલિકાના સદસ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, વાંકાનેર શહેર મધ્યે તથા શહેરની અત્યંત નજીક વાંકાનેર સિટી તલાટી રેવન્યુ હદમાં બિનખેતી રહેણાંક વિસ્તારની સોસાયટીઓ આવેલી છે. જેમાં નાઈન એવન્યુ, ઓમકાર રેસિડેન્સી, વૃંદાવન વાટીકા, ભુપતભાઈ પઢીયારની સોસાયટી, મુબારકા સોસાયટી, જસદણ સોસાયટી, વૈશાલી નગર, મહાવીરનગર, સોમાણીનગર, સદગુરુ સોસાયટી, ગોકુલનગર, સ્વામી વિવેકાનંદ સોસાયટી, રઘુવંશીનગર, રાજ રેસિડેન્સી, અલમદીના સોસાયટી, ગુલાબનગર, અમનપાર્ક, પરવેઝનગર, આશીયાના સોસાયટી, મોમીન સોસાયટી, એસ.કે. પ્લાઝા, મિલેનિયમ સોસાયટી, એકતા સોસાયટી, બાગેસંજર, સરસ્વતી સોસાયટી, પંચવટી સોસાયટી. આ તમામ વિસ્તાર વાંકાનેર સિટી તલાટી રેવન્યુ હેઠળની હદમાં આવે છે. આ વિસ્તારો કોઈપણ ગ્રામ પંચાયતો હેઠળની હદમાં આવતા નથી. જેથી આ વિસ્તારના નાગરિકો ફક્ત લોકસભા અને ધારાસભાની ચૂંટણીમાં જ ભાગ લઈ શકે છે. અન્ય ચૂંટણીઓમાં ભાગ લઈ શકતા નથી.

આ વિસ્તારો કોઈ પણ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વાંકાનેર નગરપાલિકાની હદમાં આવતા ન હોવાતી આ વિસ્તારમાં પાયાની સુવિધા મળતી નથી. રોડ રસ્તા, શુદ્ધ પાણી, સફાઈ, પાકી ભુગર્ભ ગટરો, સ્ટ્રીટ લાઈટ સહિતની પાયાની સુવિધાઓ મળતી નથી. રહીશોને જન્મ-મરણના દાખલા, લગ્ન રજિસ્ટ્રેશન, મકાન બાંધકામ પરવાનગી, આવક અને જાતિના દાખલા જેવી કામગીરી માટે કોઈ સરકારી કચેરી જવાબદારી સ્વીકારતી નથી. જેથી રહીશોને ધક્કા ખાવા પડી રહ્યા છે. આ અંગે અગાઉ સચિવ, વિરોધપક્ષના નેતા, ચીફ ઓફિસર, મામલતદાર સહિતનાને રજૂઆતો કરી છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. તો આ વિસ્તારને નગરપાલિકાની હદમાં ભેળવવામાં આવે તેવી સૌની માગ છે.

આ સમાચારને શેર કરો