ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સગીરને માર મારવાના મામલે પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ
રાજકોટ: રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક મુસ્લિમ સગીર બાળકને બેરહેમીથી ઢોર માર મારવા અને જીવતા વાળ ખેંચવાના ગંભીર આરોપો બાદ જવાબદાર પોલીસકર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. માઈનોરિટી કો-ઓર્ડિનેશન કમિટી (MCC), ગુજરાતના કન્વીનર મુજાહિદ નફીસે આ મામલે ગુજરાતના DGP (રાજ્ય પોલીસ વડા) ને લેખિત રજૂઆત કરી છે, જેમાં દોષિત પોલીસકર્મીઓ પર તાત્કાલિક FIR દાખલ કરવા અને તેમની ધરપકડ કરવાની માંગ કરી છે.
રજૂઆતમાં કરાયેલા મુખ્ય આક્ષેપો અને માંગણીઓ:
ઘટનાની વિગતો: રજૂઆત મુજબ, ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ મુસ્લિમ સમુદાયના સગીર બાળકને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને નીચે સુવડાવી પગના તળિયે અને હાથના પંજા પર લાકડાના પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો.

એસીપી પર આદેશનો આરોપ: ભોગ બનનારની દાદી નજુબેને લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે ACP અને તેમના કહેવાથી માર મારવામાં આવ્યો હતો, અને પોલીસકર્મીઓ કહી રહ્યા હતા કે “અમારી ACP ભરાઈનો હુકમ છે, તને મારવો તો પડશે જ.”
વાળ ખેંચવાનો અને ધમકીનો વિડીયો: ત્યારબાદ સગીર બાળકના વાળ જીવતા ખેંચવામાં આવ્યા, જેના વીડિયો અન્ય પોલીસકર્મીઓ બનાવતા હતા. બાળકને કોઈ સારવાર પણ ન અપાઈ અને પોલીસકર્મીઓએ ધમકી આપી કે જો કોઈને વાત કરી તો “હજુ આનાથી વિશેષ મારીશ અને રાજકોટમાં રહેવા નહીં દઉં.” આ ઘટનાનો વીડિયો વાયરલ થતા મામલો સામે આવ્યો હતો.
નામજોગ ફરિયાદ: દાદી નજુબેનની લેખિત ફરિયાદમાં રાધિકા ભરાઈ (ACP પશ્ચિમ, ગાંધીગ્રામ ઝોન), સેજલ મેઘાણી (પોલીસ ઈન્સ્પેક્ટર, ગાંધીગ્રામ), એમ.વી. જાડેજા (પો.સ.ઈ. ડી સ્ટાફ), શૈલેશ કિશોરભાઈ ચૌહાણ (પોલીસ સ્ટાફ) અને મદદ કરનાર અન્ય પોલીસ સ્ટાફ વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરવામાં આવી છે.
કાર્યવાહીમાં વિલંબનો આક્ષેપ: વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પર સ્પષ્ટ આરોપો હોવા છતાં અત્યાર સુધી ગંભીર કેસમાં FIR દાખલ ન થઈ હોવા અને દોષિત પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ ન થયા હોવા બદલ કમિટીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
MCCની રાજ્ય પોલીસ વડા સમક્ષ માંગણીઓ:
MCCના કન્વીનરે DGPને અપીલ કરી છે કે ન્યાય સૌને સમાન દ્રષ્ટિએ જુએ છે તે બાબતને ચરિતાર્થ કરીને નીચે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવે:
દોષિત કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરીને તેમની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવે.
પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ સંરક્ષિત કરવામાં આવે.
તમામ આરોપીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવે જેથી પુરાવા સાથે ચેડાં ન થાય.
બાળકની હાલની પરિસ્થિતિની મેડિકલ તપાસ સિવિલ હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરના પેનલ મારફત કરવામાં આવે.
પીડિત સગીર બાળકને વિકટીમ કંપનસેશન સ્કીમ હેઠળ સહાય આપવામાં આવે.
કન્વીનરે આશા વ્યક્ત કરી છે કે ન્યાયના હિતમાં DGP દ્વારા તાત્કાલિક FIR નોંધવાનો અને તમામ માંગણીઓ પર કાર્યવાહીનો આદેશ કરવામાં આવશે.

