વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અને મજૂરો માટે અકસ્માત મૃત્યુ સહાયની માંગ ઉઠી
યુવા ડિરેક્ટર અશ્વિનભાઈ મેઘાણીની સામાન્યસભામાં ફરી રજૂઆત, અન્ય યાર્ડની જેમ સહાય યોજના અમલમાં મૂકવા માંગ.
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે આજ રોજ યોજાયેલી સામાન્યસભાની બેઠકમાં ખેડૂતો તેમજ યાર્ડમાં કાર્યરત મજૂરો માટે અકસ્માત મૃત્યુ સહાય યોજના અમલમાં મૂકવાની માંગ સાથે મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી.
વાંકાનેર માર્કેટિંગ યાર્ડના યુવા ડિરેક્ટર અશ્વિનભાઈ મેઘાણીએ બેઠક દરમિયાન જણાવ્યું હતું કે અગાઉ મળેલી મિટિંગમાં પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી તેની કોઈ અમલવારી કરવામાં આવી નથી. જેના પગલે ફરી એકવાર આજની બેઠકમાં આ પ્રશ્નને ગંભીરતાપૂર્વક રજૂ કરવામાં આવ્યો હતો.
રજુઆતમાં જણાવાયું હતું કે વાંકાનેર તાલુકાના તેમજ માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા આવતા તમામ ખેડૂત ખાતેદારોને અકસ્માત કે અણધારી મૃત્યુની પરિસ્થિતિમાં સહાય મળવી જોઈએ. ઉપરાંત યાર્ડમાં ઉતરાઈ, તોલાઈ, માલ સંભાળવું તેમજ માલભરાઈ જેવા જોખમી કામોમાં જોડાયેલા મજૂરોને પણ અકસ્માત મૃત્યુ સહાયનો લાભ આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી.
અશ્વિનભાઈ મેઘાણીએ અન્ય માર્કેટિંગ યાર્ડોમાં આવી સહાય યોજનાઓ અમલમાં હોવાનો ઉલ્લેખ કરી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પણ સમાન રીતે સહાય યોજના શરૂ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
આ રજૂઆતને ડિરેક્ટર જલાભાઈ શેરસીયા તથા ડિરેક્ટર યુનુસભાઈ ખોરજીયાએ પણ ટેકો આપ્યો હતો. બેઠકમાં આ મુદ્દે સકારાત્મક ચર્ચા થતાં ખેડૂતો અને મજૂરોમાં આશાની લાગણી જોવા મળી રહી છે.

