ગુજરાત

દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 અર્થી ઊઠી…

એક્ને ડૂબતો બચાવવા 9 યુવકો નદીમાં પડ્યા અને આઠનો જીવ ગયો.

ગાંધીનગરના દહેગામના વાસણા સોગઠી ગામે મેશ્વો નદીમાં શુક્રવારે બપોરે ગણેશવિસર્જન સમયે ડૂબી જતાં 8 લોકોના મોત નીપજ્યા હતા. વાસણા સોગઠીના મોટાવાસમાં રહેતાં ચૌહાણ અને સોલંકી પરિવારના 8 લોકોના મોત થતાં આજે સવારે વાસણા સોગઠીના મોટા વાસ ખાતેથી એકસાથે આઠેયની અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં આક્રંદ છવાયો હતો. નાના એવા ગામમાં કોણ કોને સાંત્વના આપે તેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

દહેગામના વાસણા સોગઠી ગામે મોટા ફળિયા વિસ્તારમાં રહેતા લોકો મેશ્વો નદીમાં બપોરના સમયે વિસર્જન કરવા ગયા હતા. જ્યાં ન્હાવા પડેલા 9 લોકો પૈકી 8 લોકો ડૂબી જતાં મોત થયા હતા. તરવૈયાઓ દ્વારા આઠેયના મૃતદેહને બહાર કાઢી દહેગામ અને રખીયાલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોસ્ટમોર્ટમ કરી લાશને તેઓનાં પરિજનોને સોંપવામાં આવી હતી.

ગણેશ વિસર્જન વખતે નદીમાં યુવાનો ડૂબી ગયા હોવાની વાત ફેલાતાની સાથે ગ્રામજનોના ટોળા નદી કિનારે ઉમટી પડ્યા હતાં. બનાવની જાણ થતા કલેક્ટર પણ દહેગામ સરકારી દવાખાને પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર ગણપતિ વિસર્જન કરવા ગામના કેટલાક યુવાનો નદી પર ગયા હતા. જેમાં એક છોકરો ડૂબતાં એક પછી એક સાત લોકો એને બચાવવા પડ્યા હતા. પરંતુ ડૂબી રહેલા છોકરાને બચાવી શક્યા ન હતાં અને આઠેયના મોત થયા હોવાની ઘટના બનતા ગામમાં શોક વ્યાપી ગયો છે અને અનેક પરિવારોમાં આક્રંદ છવાઇ ગયો છે.

મૃતકોના નામ

  • વિજયજી હાલુસિંહ સોલંકી (30 વર્ષ)
  • ચિરાગ પ્રકાશસિંહ ચૌહાણ (19 વર્ષ)
  • ધર્મેન્દ્રસિંહ દલપતસિંહ ચૌહાણ (18 વર્ષ)
  • પૃથ્વી દલપતસિંહ ચૌહાણ (20 વર્ષ)
  • મુન્નાભાઈ દિલિપસિંહ ચૌહાણ (23 વર્ષ)
  • રાજકુમાર બચુસિંહ ચૌહાણ (28 વર્ષ)
  • યુવરાજસિંહ પ્રવીણસિંહ ચૌહાણ (17 વર્ષ)
  • સિદ્ધરાજ ભલસિંહ ચૌહાણ (17 વર્ષ)

કાકા-ભત્રીજાના મોત
દહેગામના વાસણા સોગઠી ગામે એકસાથે 8 યુવકોના મોત નિપજતા સમગ્ર ગામમાં આજે સવારથી ગમગીનીનો માહોલ છવાયો છે. ગામમાં મૃત્યુ પામનારમાં કાકા અને ભત્રીજાના ડૂબી જતા એક સાથે મૃત્યુ થયા છે. આ ઘરની સ્થિતિ જોઈ હૃદય કંપાવી નાખે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મૃતક રાજકુમાર ચૌહાણ કાકા છે, જ્યારે ચિરાગ તેમનો ભત્રીજો છે. બંનેના ગઈકાલની ઘટનામાં મૃત્યુ થયા છે. ચિરાગને માત્ર છ મહિનાની એક બાળકી અને પાંચ વર્ષનો છોકરો છે. આ ઘટનાથી ઘર નહીં પણ સમગ્ર ફળિયું હૈયાફાટ રૂદન કરી રહ્યું છે.

બે સગા ભાઈઓના મોતથી પિતા પર આભ તૂટ્યું
સોગઠી ગામે ડૂબી જવાથી બે સગા ભાઈઓના કરુણ મોત નિપજ્યા છે. જેને કારણે પિતા દલપતસિંહ ચૌહાણના પરિવાર પર આ ફાટ્યું છે. તેમને આ દુર્ઘટનામાં તેમના બંને પુત્રો ગુમાવ્યા છે. ધર્મેન્દ્રસિંહ અને પૃથ્વીસિંહ બંને સગા ભાઈઓ ગઈકાલે ‘નદીએ જઈને આવું છું…’ કહીને નીકળ્યા હતા, પરંતું હવે ક્યારેય પાછા નહીં આવે. પિતા દલપતસિંહનું હૈયાફાટ રુદન કોઈપણ કાઠા હૃદયના વ્યક્તિને હચમચાવી નાંખે તેવું છે. તેમણે પૃથ્વી અને ધર્મેન્દ્રસિંહ બંને દીકરાઓને એકસાથે ગુમાવ્યા છે.

આ સમાચારને શેર કરો