Placeholder canvas

રાજકોટ: કોરોનાથી 5 મહિનાના માસૂમ બાળકનું મોત

ત્રીજી લહેરમાં બાળકો નિશાન બનવાની ચેતવણી વચ્ચે જ પ્રથમ મૃત્યુ થતાં ખળભળાટ

રાજકોટ: કોરોનાની બીજી લહેર હજુ સંપૂર્ણપણે શાંત થઈ નથી ત્યાં ત્રીજી લહેરને ભણકારા વાગવાનું શરૂ થઈ ચૂક્યું છે. પહેલાં 15 ઓગસ્ટે ત્રીજી લહેર આવી જશે તેવી આગાહીઓ કરવામાં આવી હતી ત્યારે હવે 15 સપ્ટેમ્બરથી આ તબક્કો શરૂ થશે તેવો અભિપ્રાય તબીબી નિષ્ણાતો આપી રહ્યા છે. ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આજે સિવિલ હોસ્પિટલમાં પાંચ મહિનાના બાળકનું કોરોનાને કારણે મોત થતાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્રીજી લહેર સૌથી વધુ બાળકોને ‘હિટ’ કરશે તેવી આગાહી વચ્ચે બાળકનું મોત થતાં તબીબોના શ્ર્વાસ પણ અધ્ધર ચડી જવા પામ્યા છે.

રાજકોટના કોઠારિયા રોડ પર ઘનશ્યામનગરમાં રહેતાં ગુણવંતભાઈ સાગઠિયાના પુત્ર જીયાંશનો ધોરાજીના બહારપુરા વિસ્તારમાં આવેલા વણકરવાસમાં મામાને ત્યાં જન્મ થયો હતો. દરમિયાન 13 ઓગસ્ટે તેને તાવ-શરદી-ઉધરસ થઈ જતાં સૌપ્રથમ ધોરાજીની યશ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં ત્રણ દિવસ સુધી સઘન સારવાર અપાયા બાદ જીયાંશથી તબિયત નહીં સુધરતાં ત્યાંથી 16 ઓગસ્ટે રાજકોટની ડિવાઈન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અહીં જ્યારે જીયાંશને લાવવામાં આવ્યો ત્યારે જ તેની તબિયત વધુ ખરાબ હોવાને કારણે તેને વેન્ટીલેટર ઉપર રખાયો હતો. જો કે અહીં પીડિયાટ્રિક આઈસીયુ મતલબ કે પી-આઈસીયુ નહીં હોવાને કારણે 19 ઓગસ્ટને ગુરૂવારે જીયાંશને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં ડૉક્ટરોએ 32 કલાક સુધી જીયાંશને સઘન સારવાર આપી હતી પરંતુ તે કારગત નહીં નિવડતાં આજે વહેલી સવારે 3:30 વાગ્યે તેનું મૃત્યુ નિપજ્યું હતું.

આ સમાચારને શેર કરો