વાંકાનેર

થાનગઢમાં સીરામીક કામ કરતો વાંકાનેરના લૂણસર ગામના ૧૮ વર્ષીય યુવકનું સીલીકોસીસ થતા મૃત્યુ.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2030 સુધીમાં આંબવાના અક્ષય (ટકાઉ) વિકાસના લક્ષ્યાંકોની (SDGs ) સૂચીમાં ક્રમાંક ૮.૭ વર્ષ ૨૦૨૫ સુધીમાં બાળ મજૂરી નાબૂદ કરવાનો છે પરંતુ તેના માટે જરૂરી પગલાં અને જાગૃતી કાયદાના પાલન કરવામાં સરકાર નિષ્ફળ થતી દેખાઇ રહી છે. લક્ષ્યાંક ૮.૫ ઉમદા કામનું સર્જન છે તો લક્ષ્યાંક ૮.૮.૧ કામને સ્થળે થતી ઇજાઓ ઘટાડવા માટેનો છે અને ૮.૮.૨ મજુર કાયદાઓના પાલન અંગે છે. આ એકેય મોરચે ચાર ચાર એંજીન ધરાવતી સરકારો સફળતાની પહેલી સીડીએ પણ પહોંચ્યાનું લાગતું નથી.

વર્ષ ૧૯૮૬માં ગુરુપદ સ્વામી સમીતીની ભલામણોના આધારે બાળ મજૂરી (પ્રતિબંધ અને નિયમન) અધીનીયમ ઘડવામાં આવ્યો હતો. આ કાયદા મુજબ જોખમી વ્યવસાય અને પ્રક્રીયાઓમાં રોજગાર આપવા ઉપર પ્રતિબંધ છે. છતાં સુરેન્દ્રનગરના થાનગઢની નજીક આવેલ અનમોલ સીરામીક એકમે કાયદાની અવગણના કરી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લૂણસર ગામના ૧૪ વર્ષના મહેશભાઈ ઝાલાને નાની ઉંમરે મજુરીએ જોતર્યા. તેના અંદાજિત ૩ વર્ષ બાદ એટલે ૧૭ વર્ષની ઉમરે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં ડોક્ટરને બતાવતાં મહેશભાઈને સીલીકોસીસ થયાનું નિદાન આવ્યું. સીલીકોસીસ એક વ્યવસાયીક બિમારી છે. ધીમે ધીમે મહેશભાઈને શ્વાસની તકલીફ વધતી ગઈ. છેલ્લું ૧ વર્ષ તો સતત પથારીવશ – ઓક્સીજન રહેવું પડ્યું. અંતે ૧૮ વર્ષની ઉંમરે મહેશભાઈ સીલીકોસીસના કારણે મૃત્યુ પામ્યા.

મહેશભાઈ ઝાલાના માતાનું કેન્સરની બીમારીથી મૃત્યુ થયું હતું તેથી પરીવાર પર દેણું થઈ ગયું અને ગરીબી, બેકારી અને દેવાના કારણે નાની ઉમરે મજૂરી કામે લાગ્યા. મહેશભાઈ અને તેમના પરીવારએ વાતથી અજાણ હતા કે આ કામ કરવાને કારણે આવી જીવલેણ બીમારી થશે. હાલ પરીવાર પર ૩ લાખનું દેણું છે, ભાડાના મકાનમાં રહે છે.

સીલીકોસીસ પીડીત સંઘે આ અંગે ૧૫/૦૧/૨૦૨૫ના રોજ સુરેન્દ્રનગરના જિલ્લા બાળ સુરક્ષા અધીકારી, સરકારી શ્રમ અધીકારી, મદદનીશ નિયામક ડીસ કચેરી તથા ગુજરાત રાજ્ય બાળ અધીકાર કમીશનને આ અંગે કડક પગલાં લેવા માટે રજૂઆત કરેલ છે પરંતુ આ જ દિવસ સુધી કોઈ જવાબ સંઘને પ્રાપ્ત થયો નથી તેવું જાણવા મળેલ છે.

વધુમાં જાણવા મળેલ કે અનમોલ સીરામીકમાં કામ કરતા અન્ય એક કામદારને પણ સીલીકોસીસની બીમારી થઈ છે જે લૂણસર ગામના જ વતની છે. અનમોલ જેવા તો બીજા અનેક એકમો આ જીલ્લામાં છે આવા મોતના કારખાનાઓ પર જો કડક કાર્યવાહી કરવામાં નહી આવે તો ન જાને. આ હજી કેટલાના ભોગ લેવાશે.

આ સમાચારને શેર કરો