Placeholder canvas

કચ્છમાં માતાજીના દર્શન કરી ઘરે પરત આવી રહેલા મિત્રોનું બાઈક સ્લીપ થતા મોત

મોરબી: કચ્છમાં મોમાઈ મોરા માતાજીના દર્શન કરી ઘરે પરત ફરી રહેલ ડબલ સવારી બાઈક સ્લીપ થતા બે યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના જામવાળી ગામના રહેવાસી રાણાભાઇ ગોકળભાઇ સોહલાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના માસીના દિકરા ગોપાલભાઇ બાઇક પર તેમના મિત્ર રાહુલભાઇ તથા અન્ય મિત્રો સાથે કચ્છમાં મોમાઇ મોરા માતાજીના દર્શન કરવા માટે ગયા હતા તેઓ દર્શન કરીને ઘરે પરત આવી રહ્યા હતા. તે સમયે ગોપાલભાઇ ગભુભાઇ સભાળે (ઉં.વ.18) પોતાના હવાલા વાળુ નંબર વગરનુ હિરો કંપનીનુ સ્પલેન્ડર પ્લસ બાઇક પુરપાટ ઝડપે અને બેદરકારીથી પોતાની જિંદગી જોખમાય તે રીતે ચલાવી રહ્યાં હતાં.

તેઓ બપોરના બે વાગ્યાના અરસામા સોખડા ગામના પાટીયા પાસે માળીયાથી મોરબી તરફ જતા હાઇવે રોડ પર પહોંચતા ખાડો આવતા તેમણે વાહન પરનો કાબુ ગુમાવી દેતા બાઇક સ્લીપ થયું હતું. જેને પગલે ગોપાલભાઈ અને રાહુલભાઈ રધુભાઇ બોળીયા (ઉ.વ.17)ને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બંનેનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો