મોરબી: માળીયા મીયાણાના વવાણિયા ગામે પવનચક્કીમાંથી ₹2.25 લાખના કોપર વાયરની ચોરી
મોરબી: માળીયા મીયાણા તાલુકાના વવાણિયા ગામની સીમમાં આવેલી એક પવનચક્કીને નિશાન બનાવીને કોઈ અજાણ્યા શખ્સે તાળા તોડીને ₹2.25 લાખની કિંમતના કોપર વાયરની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, વવાણિયા ગામે રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભાઇ મેઘુભા પરમાર (ઉ.વ. 45) એ અજાણ્યા શખ્સ વિરુદ્ધ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વવાણીયા ગામની સીમના સર્વે નંબર 43 ની ખુલ્લી જગ્યામાં આવેલી પવનચક્કી નંબર VM 65 માં કોઈ અજાણ્યા શખ્સે તાળા તોડીને પ્રવેશ મેળવ્યો હતો. અંદરથી ઇલેક્ટ્રીક કોપરના કેબલ વાયરની ચોરી કરવામાં આવી હતી. અંદાજે 500 મીટર જેટલા કોપર કેબલ વાયરની ચોરી થઈ હોવાનું નોંધાયું છે, જેની કુલ કિંમત ₹2,25,000 આંકવામાં આવી છે.
આ ચોરીની ઘટના અંગે નરેન્દ્રસિંહ પરમારે ફરિયાદ નોંધાવતા, માળિયા તાલુકા પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને ચોરીના મુદ્દામાલ અને આરોપીને પકડવા માટે વધુ તપાસની કાર્યવાહી શરૂ કરી છે.

