મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક મળી…
રોડ રિપેરિંગ, વરસાદી પાણીના નિકાલ અને રેલવે ઓવરબ્રિજની રજૂઆતો અંગે હકારાત્મક ચર્ચા: કલેક્ટરે ફાઈલોનો ત્વરિત નિકાલ કરવા આપી સૂચના
મોરબી: મોરબી જિલ્લામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે ‘ઈ-સરકાર’ ના અમલીકરણની સમીક્ષા કરી વિવિધ વિભાગોમાં પેન્ડિંગ રહેલી ફાઈલોનો ત્વરિત નિકાલ કરવા તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત iORA પોર્ટલ પર જમીન માંગણીની અરજીઓની સ્થિતિ અંગે કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ બેઠકમાં લોકસુખાકારી અને આંતરમાળખાકીય સુવિધાઓને લગતા અગત્યના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ હતી. જેમાં ચોમાસાના વરસાદી પાણીનો નિકાલ, ગંદકીની સમસ્યાનું નિવારણ, રમત-ગમતનું નવું મેદાન બનાવવા તેમજ રેલવે ઓવરબ્રિજની મંજૂરી અંગે સકારાત્મક વિચારણા કરાઈ હતી. આ સાથે જ ઔદ્યોગિક વિકાસ અર્થે મીઠા અને બ્રોમીનના ઉત્પાદન માટે જમીનની માપણી અંગેની રજૂઆતોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. મોરબી-હળવદ રોડ અને રવાપર-ઘુનડા-જડેશ્વર નવા રોડના બિસ્માર રસ્તાઓ અંગે રજૂ થયેલા પ્રશ્નોની નોંધ લઈ કલેક્ટરે અગ્રતાના ધોરણે આ માર્ગોનું સમારકામ હાથ ધરવા સૂચના આપી હતી.
આ સાથે પુરવઠા સલાહકાર સમિતિની બેઠક પણ યોજાય હતી. જેમાં સસ્તા અનાજની દુકાનો દ્વારા કાર્ડ ધારકોને અપાતા રાશન, વિતરણ વ્યવસ્થાની ગુણવત્તા તથા પીએમ પોષણ યોજનાની કામગીરી સહિતની બાબતે હકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠકમાં યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળના કામો તથા અન્ય મહત્વના પ્રવાસન સ્થળોના વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરીયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલ બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી તેમજ મોરબી પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો, ચીફ ઓફિસર સહિત જિલ્લા વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


