ખેડૂત દીઠ ‘૨૦૦ મણ’ મગફળી ખરીદવાનો આગ્રહ: રાજકોટમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિએ આજે બહુમાળી ભવન ચોક, રેસકોર્સ ખાતે વિશાળ ધરણાં યોજીને રાજ્ય સરકારને સીધું અલ્ટીમેટમ આપ્યું છે. કોંગ્રેસે માંગ કરી છે કે સરકાર તાત્કાલિક ખરીદીના જથ્થાની જાહેરાત કરે અને ખેડૂત દીઠ ઓછામાં ઓછી ૨૦૦ મણ મગફળી લેવાની બાંયધરી આપે, અન્યથા રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવશે.

સરકારની નિષ્ક્રિયતાનો આરોપ: ખેડૂતોને નીચા ભાવે વેચવાની ફરજ
કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, સરકાર દર વર્ષે ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં વિલંબ કરે છે અને ખરીદીનો જથ્થો મર્યાદિત રાખે છે, જેના કારણે ખેડૂતોને મજબૂરીમાં ખુલ્લા બજારમાં ટેકાના ભાવ કરતાં નીચા ભાવે પોતાનો પાક વેચવો પડે છે. સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી ભુપેન્દ્ર મારવી જીએ આ ધરણાંને સંબોધતા જણાવ્યું હતું કે, “ખેડૂતોને તેમના મહેનતનો પૂરતો ભાવ ન મળે ત્યાં સુધી કોંગ્રેસ શાંત નહીં બેસે. સરકારે ખેડૂત વિરોધી નીતિઓ છોડીને ત્વરિત નિર્ણય લેવો પડશે.”
પૂર્વ ધારાસભ્યોએ સરકારને ઘેરી
પૂર્વ ધારાસભ્યો લલીતભાઈ વસોયા અને લલીતભાઈ કગથરાએ પોતાના સંબોધનમાં આક્ષેપ કર્યો હતો કે, સરકાર ખેડૂતોને રાહત આપવાના બદલે માત્ર જાહેરાતો કરીને સંતોષ માને છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ૨૦૦ મણની માંગણી ખેડૂતોની ન્યૂનતમ જરૂરિયાત છે, જેથી તેઓ આર્થિક રીતે ટકી શકે.આ ધરણાંમાં રાજકોટ જિલ્લા પ્રમુખ હિતેશભાઈ વોરા, તાલુકા પ્રમુખ નિશિત ખુંટ, અને શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ સંગઠનની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. સુરેશભાઈ બથવાર, મહેશભાઈ રાજપુત, ડીપી મકવાણા, જશવંતસિંહ ભટ્ટી, નયનાબા જાડેજા, મનીષા બા વાળા, ગોવિંદભાઈ ડોબરીયા, હર્ષદસિંહ ઝાલા સહીતના નેતાઓ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઈને સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો.

કોંગ્રેસના આ ઉગ્ર વલણથી હવે સૌરાષ્ટ્રના રાજકીય અને કૃષિ જગતમાં આગામી દિવસોમાં આંદોલનની સંભાવના વધી ગઈ છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર બે દિવસમાં હકારાત્મક નિર્ણય નહીં લે તો તાત્કાલિક ચક્કાજામનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

