વાંકાનેર: ‘સંગઠન સૃજન અભિયાન’ કોંગ્રેસના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની મીટિંગ મળી…
કાર્યક્રમની શરૂઆતમાં ૨ મિનિટનું મૌન પાળી પહલગામ- કાશ્મીર ખાતે આતંકવાદી હુમલાનો ભોગ બનનાર મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને ન્યાયની માંગણી કરવામાં આવી.
તા.૨૪/૦૪/૨૦૨૫ ગુરુવારના રોજ વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે “સંગઠન સૃજન અભિયાન” અંતર્ગત વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓની મીટિંગ મળી હતી. આ મિટિંગમાં અખિલ ભારતીય કોંગ્રેસ – દિલ્હી તરફથી મોરબી જિલ્લા કોંગ્રેસના નિરીક્ષક બી.વી. શ્રીનિવાસ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ – અમદાવાદ તરફથી મોરબી જિલ્લા કોંગ્રેસના નિરીક્ષકો ડૉ. દિનેશભાઈ પરમાર (પુર્વ મંત્રી ગુજરાત સરકાર), વાલજીભાઈ દાનિચા (પુર્વ ધારાસભ્ય ભુજ કચ્છ), જાકિર હુસૈનભાઈ ચૌહાણ (પુર્વ પ્રમુખ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ) અને હિતેશભાઈ વોરા (પુર્વ પ્રમુખ રાજકોટ જિલ્લા કોંગ્રેસ) ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમની શરૂઆતમાં ૨ મિનિટનું મૌન પાળી પહલગામ- કાશ્મીર ખાતે આતંકવાદી હુમલાનો ભોગ બનનાર મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી, તેમજ પોસ્ટરો અને બેનરો સાથે ન્યાયની માંગણી કરવામાં આવી.આ તકે મીટિંગમાં ઠરાવ પસાર કરીને વાંકાનેર પુર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા અને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલિયા (પુર્વ પ્રમુખ જિલ્લા પંચાયત મોરબી) એ આ આતંકવાદી હુમલાને વખોડીને સરકાર સમક્ષ કડક કાર્યવાહી કરવા માંગણી કરી.
“સંગઠન સૃજન અભિયાન” અંતર્ગત સ્થાનિક કાર્યકરો સાથે ચર્ચા કરીને નવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પસંદ કરવાની કાર્યવાહીના ભાગરૂપે કોંગ્રેસ પક્ષના નિરીક્ષકોએ સ્થાનિક કોંગ્રેસ અગ્રણીઓ સાથે ગંભીર ચર્ચા-વિચારણા કરી, પક્ષના સંગઠનને મજબૂત બનાવવા માટેની કવાયત હાથ ધરી.

આ પ્રસંગે વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ, મહિલા કોંગ્રેસ પ્રમુખ, યુવા કોંગ્રેસ પ્રમુખ, કોંગ્રેસ SC સેલ પ્રમુખ, કિસાન કોંગ્રેસ પ્રમુખ, મોરબી જિલ્લા પંચાયતના સદસ્યો, વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્યો, માર્કેટ યાર્ડના પ્રમુખ- ઉપપ્રમુખ તથા સદસ્યો, વાંકાનેર નગરપાલિકાના સદસ્યો સહિત વાંકાનેર શહેર અને તાલુકાના કોંગ્રેસ પક્ષ સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

