Placeholder canvas

ગુજરાતની 8 બેઠક હારવાના કોગ્રેસમાં દિલ્હી સુધી પડઘા

અમિત ચાવડા અને પરેશ ધાનાણીનું પત્તું કપાસે? શુ હાર્દિક માથે પડયો? રાજીવ સાતવનું શુ?

ગુજરાત વિધાનસભાની આઠે આઠ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય, પક્ષ છોડીને જ ગયેલા ધારાસભ્યો ફરી ભાજપમાંથી ચૂંટાઇ જવાના નિરાશાજનક માહોલના પડઘા દિલ્હી એઆઇસીસી સુધી પડયા છે. પેટા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસમાં કકળાટ સર્જાતા દિવાળી બાદ ગુજરાત સંગઠનમાં મોટા ફેરફાર થવાના નિર્દેશ મળી રહ્યા છે.

રાજયસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્ય રાજીનામા આપીને ભાજપમાં જોડાઇ ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યો ભાજપની ટીકીટ ઉપર પણ ચૂંટાઇ આવ્યા છે અને કોરોના કાળથી માંડી લોકડાઉનમાં વેપાર ધંધા ઠપ્પ થવા સહિતના લોકોને હેરાન કરનારા વાતાવરણનો રાજકીય લાભ લેવામાં કોંગ્રેસ ફેલ સાબિત થઇ છે. આ હાર બાદ પ્રદેશ કોંગ્રેસમાં તો કકળાટ વધી ગયો છે. તો ગુજરાતના પ્રભારી રાજીવ સાતવને હાઇકમાન્ડે ઠપકો આપ્યાની ચર્ચા થઈ રહી છે.

પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી ઉપર તડાપીડ બોલી રહી છે. આ બંને નેતાએ ઔપચારિક રીતે જવાબદારી લેવા તૈયારી દર્શાવતા તેઓના પદમાં ફેરબદલ થવાનું નકકી લાગી રહ્યું છે. આ બંને નેતાનું પત્તુ દિલ્હી કાપી નાંખે તેવું સમજવામાં આવે છે. ગુજરાતના પ્રભારી પણ હવે બદલવામાં આવશે. તેવુ રાજકીય તાજજ્ઞોનો મત છે.

પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા અને કોઇપણ ચૂંટણી સમયે સભામાં થોડા ઘણા લોકો એકઠા કરી લેતા હાર્દિક પટેલનો કોઇ જાતનો ફાયદો કોંગ્રેસને મળ્યો નથી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલ કોઇ બેઠક પર પાર્ટીને ફાયદો કરાવી શકયા નથી. અગાઉની જેમ જ આ પરિણામોએ પણ હાઇકમાન્ડને નિરાશા આપી છે. હાર્દિક પટેલને મહત્વની જવાબદારી અપાયા બાદ આ કારણે પણ ઓબીસી મતમાં ભાગલા પડી ગયાનું અને તેનું નુકસાન કોંગ્રેસને જ થયાનું જાણકારો માની રહ્યા છે. પાટીદાર સમાજને વધુ નજીક લાવવામાં હાર્દિક પટેલના કોઇ પ્રયાસ સફળ થયા નથી. પાટીદારોનો એક મોટો વર્ગ ભાજપ સાથે જ જોડાયેલો રહેલો છે. આ વર્ગ કોંગ્રેસ નજીક તો આવતો નથી, સાથે છે તેમાંથી પણ મતદારો કોંગ્રેસથી દુર થવા લાગ્યા છે. અમુક બેઠક ઉપર તો હાર્દિક પટેલના કારણે ઉમેદવારોને નુકસાન થયાના રીપોર્ટ પણ દિલ્હી સુધી ગયા છે.

આ સમાચારને શેર કરો