Placeholder canvas

વાંકાનેર: અમરસર ગામે જુથ અથડામણમાં સામસામી ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના અમરસર ગામે ગઈકાલે ઢોર ચરાવવાના મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બન્ને જૂથના લોકો એકબીજા ઉપર લાકડીઓ અને પાઈપથી તૂટી પડતા બન્ને જૂથના મળીને 7 થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. આ બનાવને પગલે બન્ને જૂથોએ એકબીજા ઉપર લાકડી, પાઈપથી હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ ફરિયાદી મહેબુબભાઇ હાજીભાઇ ખોરજીયા (ઉ.વ.૪૪, ધંધો-ખેતી, રહે અમરસર, તા.વાંકાનેર) એ આરોપીઓ જગા વેલા, પરબત ભારૂ, કુવરા ભારૂ, કમલેશ ગાંડુ, લીલા ગાંડુ, રમેશ ભારૂ, ભાયા જાલા, કમલેશ હઠા તથા બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે બપોરના સમયે ફરીયાદીના જુવાર વાવેલ વાડીમા આરોપીની ભેસો ચરતી હોઈ તે ભેસોને ફરીયાદીએ ખેતર બહાર કાઢતા આરોપીને સારૂ નહી લાગતા તેનો ખાર રાખી આરોપીઓએ લાકડી-પાઈપ જેવા હથીયારો ધારણ કરી ફરીયાદીને તેમજ સાહેદોને જેમફાવે તેમ ગાળો આપી ઢીકા પાટુનો મુંઢ મારમારી તેમજ લાકડી તથા પાઈપથી માથામા અને વાસામા મુંઢમાર મારી અને લાકડીથી ફરીયાદીને માર મારતા જમણા પગની પેનીમા ફેરચર થતા તથા સાહેદ નુરમામદને ડાબા હાથની કોણી પાસે ફેકચર થતા અને સાહેદ સઇદાબેનને ડાબા હાથની આંગળીમા ફેકચર જેવી ઇજા કરી ફરીયાદી તેમજ સાહેદોને મુંઢ ઈજા કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે સામાપક્ષે જગાભાઈ વેલાભાઈ ગમારા (ઉ.વ.૪૦, ધંધો-માલઢોર, રહે-અમરસર, ભરવાડવાસ, તા.વાંકાનેર) એ આરોપીઓ મહેબુબ હાજીભાઈ, નુરા હાજીભાઈ, ઈસ્માઈલ હાજીભાઈ, તાજુ ગાજીભાઈ, મહેબુબની પત્ની, ઈસ્માઈલની પત્ની અને નુરાની દીકરી સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા સાહેદ વિજય મોનાભાઈ તેઓના માલઢોર ચરાવતા હોય તે દરમ્યાન વિજયની ભેંસ એક આરોપીના ખેતરમા જતી રહેતા તે ફરીયાદી તથા સાહેદ હાંકવા જતા આરોપીઓએ હાથમાં કુહાડી તથા લાકડીઓ જેવા હથીયાર ધારણ કરી ફરીયાદીને માર મારવાના ઈરાદે આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી કુહાડી વડે ફરીયાદીને માથામા ડાબા કાનથી ઉપરના ભાગે એક ઘા મારી માથામા ૭ થી ૮ ટાંકાઓની ઈજા કરી તેમજ ફરીયાદીને શરીરના પાછળના ભાગે આડેધડ લાકડીઓ મારી નાની-મોટી ઈજાઓ કરી અને ફરીયાદીને બંન્ને પગના સાથળના ભાગે લાકડીના ફટકા મારી નાની-મોટી ઈજાઓ કરી હતી. વાંકાનેર પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો