વાંકાનેર: ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ મૂકી શાંતિ ડહોળવા પ્રયાસ કરનાર વિરુદ્ધ ફરિયાદ

વાંકાનેર : ધંધુકાના યુવાનની હત્યાને લઈ પોલીસ દ્વારા કોમી વૈમનસ્ય ફેલાઈ તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં ન મુકવા તાકીદ કરવા છતાં વાંકાનેરમાં ઇન્સ્ટાગ્રામ ઉપર શાંતિ ડહોળાઈ તેવી પોસ્ટ મુકવા સબબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

વાંકાનેરમાં ધંધુકાના હત્યાના બનાવ સંદર્ભે અમુક તત્વો દ્વારા જાહેર સુલેહ શાંતી ડહોળવાનો અને કોમ – કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશ્યલ મીડીયા ઉપર ભડકાઉ અને શાંતી ભંગ કરે તેવી પોસ્ટો મુકી જાહેરશાંતીને ડહોળવાનો પ્રયાસ કરતા હોવાનુ ધ્યાને આવતા વાંકાનેર સિટી પીઆઇ એન.એ.વસાવા દ્વારા તુરત તપાસ કરી નવાપરાના કોળી સમાજના છોકરો તથા મીલપ્લોટના મુસ્લીમ સમાજના છોકરા વચ્ચે ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટસ મુકવા બાબતે બોલાચાલી થયેલ જે બાબતે ફરીયાદી તેમજ સામાવાળાને શોધી કાઢી સામાવાળા વિરૂધ્ધ કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવેલ હતી.

વધુમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુલેહશાંતી જળવાઈ રહે તે માટે તુરત જ કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ હાલની પરીસ્થતિને ધ્યાનમાં રાખીને મોરબી જીલ્લા સાયબર સેલ તથા મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન દવારા સોશ્યલ મીડીયા સાઈટ ઉપર અલગ-અલગ ટીમો બનાવીને આવી પ્રવૃતિ કરતા ઈસમો ઉપર સતત બાજનજર રાખવામાં આવી રહી હોવાનું અને જો કોઈ આવી પ્રવૃતિ કરતા માલુમ પડશે તો તેમના વિરૂધ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું વાંકાનેર પોલીસ દ્વારા જાહેર કરાયુ છે.

આ સમાચારને શેર કરો