આગાહી: આગામી દિવસોમાં ઠંડી વધશે, માવઠાની શકયતા…

ગુજરાતમાં અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે, પરંતુ હવે વરસાદને લઇને લેટેસ્ટ અપડેટ સામે આવ્યુ છે. હવામાન નિષ્ણાંતોના મતે રાજ્યમાં વરસાદી માહોલ છવાશે અને કેટલાક મોટા સંકટો પણ ઉભા થઇ શકે છે. હજુ શિયાળાએ વિદાય લીધી નથી અને આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો વધશે, આની સાથે આગામી 27થી 29 જાન્યુઆરી દરમિયાન કેટલાક ભાગમાં માવઠું થવાની આગાહી પણ કરવામાં આવી છે.
રાજ્યના જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે રાજ્યમાં આગામી 21 થી 30 જાન્યુઆરી વચ્ચે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર વધશે. જાન્યુઆરી અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી જબરદસ્ત રીતે વધી જશે. આ ઉપરાંત અંબાલાલ પટેલે કહ્યું કે, 22-23 જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષાની સંભાવના છે. જેના કારણે 22-23 જાન્યુઆરીએ ગુજરાતમાં ઠંડી વધશે. 24-25 જાન્યુઆરીએ દક્ષિણ ભારતમાં વરસાદ થતા તેની અસર પશ્ચિમ ભારતમાં વાદળો આવવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 27 થી 30 જાન્યુઆરીએ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યમાં માવઠાની શક્યતા છે. દક્ષિણ – પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. 7 થી 9 ફેબ્રુઆરીમાં વાદળવાયુ આવી શકે છે.
આ ઉપરાંત સ્કાયમેટની આગાહી વિશે વાત કરીએ તો, આ વર્ષે જાન્યુઆરીમાં પર્વતો પર સતત હિમવર્ષા થઈ રહી છે. આગામી ૨૪ કલાક દરમિયાન ઊંચા પર્વતો પર બરફવર્ષા થશે. ત્યારબાદ ૨૨ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી દરમિયાન ભારે હિમવર્ષા થઈ શકે છે. દક્ષિણ પૂર્વના પવનો ફુંકાવાથી તાપમાનમાં વધારો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર છે, જેથી હાલ ઠંડી ઘટી છે. હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની છે. જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ-કોઈ ભાગમાં માવઠા થશે. 27 જાન્યુઆરી બાદ ગુજરાતમાં 12થી 17 ડિગ્રી તાપમાન રહેશે. આ બધા વચ્ચે હવામાન વિભાગનું કહેવું છે કે ઠંડીનો કહેર હજુ થોડા દિવસો સુધી ચાલુ રહેવાનો છે. જો કે દેશના કેટલાક ભાગોમાં તડકાના કારણે લોકોને રાહત મળી છે.
