વાંકાનેર

વઘાસીયા ટોલનાકા નજીક ગોઝારો અકસ્માત: સીએનજી રીક્ષા પલટી જતાં પીપળીયા રાજના યુવાનનું મોત, બે ગંભીર ઈજાગ્રસ્ત

વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે આજે સાંજના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવાનોને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના ત્રણ યુવાનો મોરબી આરટીઓ કચેરી ખાતેનું કામ પૂર્ણ કરી સીએનજી રીક્ષા નં. GJ-36-W-3093 મારફતે પરત પીપળીયા રાજ તરફ આવી રહ્યા હતા. દરમિયાન વઘાસીયા ટોલનાકા નજીક આવેલા ઈબીઝા સીરામીક પાસે કોઈ કારણોસર રીક્ષા અચાનક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને ત્યારબાદ પલટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્મતમાં રીક્ષામાં સવાર ત્રણેય યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં પીપળીયા રાજ ગામના ૩૨ વર્ષીય અક્રમરજા અબ્દુલભાઈ ભોરણીયાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.
જ્યારે રીક્ષામાં તેમની સાથે સવાર ભોરણીયા સાકીર નજરૂદીનભાઈ (ઉં.વ. ૩૨) તથા કડીવાર મકસુદ ફકરૂદીન (ઉં.વ. ૩૨), બંને રહે. પીપળીયા રાજ,ને પણ ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્મિક રીતે સર્જાયેલા આ ગોઝારા અકસ્માતમાં યુવાનનું મોત થતાં પીપળીયા રાજ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. અકસ્માત અંગે વધુ વિગતો તથા સત્તાવાર કાર્યવાહી અંગેની માહિતી પોલીસ તપાસ બાદ સામે આવશે.

આ સમાચારને શેર કરો