Placeholder canvas

હવામાન પલ્ટો : રાજકોટમાં છાંટા,અમરેલી-પોરબંદર અને જામનગરમાં ઝાપટા

રાજકોટ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ રાજકોટ સહિત રાજયના મોટા ભાગના વિસ્તારોમાં આજે સવારથી હવામાન પલ્ટો થયો છે. રાજકોટમાં છાંટાછૂટી થવા સાથે વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે જામનગર, અમરેલી તથા પોરબંદરમાં હળવા વરસાદ સાથે ઝાપટા વરસ્યા હતા. ધોરાજીમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો.

ગીર સોમનાથ, મોરબી, કોડીનાર તથા દરીયાઇ પટ્ટી સહિતના તમામે તમામ ભાગોમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. હવામાન પલ્ટાના પગલે જગતનો તાત ચિંતામાં મુકાય ગયો છે તેમ ઉનાળુ વાવેતર ઉપરાંત કેસર કેરી, ડુંગળી, લસણ સહિતના કૃષિ પાકને નુકસાનીની આશંકા વ્યકત થવા લાગી છે. માર્કેટ યાર્ડોએ પણ સંભવિત વરસાદમાં નુકસાની રોકવા માટે ખડકાયેલા માલ સુરક્ષીત કરવાના પ્રયત્નો કર્યા હતા. ઉપરાંત નવી આવકો બંધ કરવાની જાહેરાતો કરી દીધી છે.

હજુ આવતીકાલ સાંજ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાદળીયુ વાતાવરણ રહેવાની અને હળવો વરસાદ વરસવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે. ભરઉનાળે હવામાનમાં બદલાવ સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણમાં બદલાવ થતા વાદળિયા માહોલમાં કમોસમી વરસાદ અને છાંટા વરસી રહ્યા છે. રાજકોટ સહિત ત્રણ જિલ્લાઓમાં અમી છાંટણા સાથે હવામાનમાં ફેરફાર નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં આજે રાજકોટ સહિત તમામ જિલ્લાઓમાં સવારથી જ વાદળિયા વાતાવરણમાં મેઘાવી માહોલ જામ્યો હતો. બપોરે રાજકોટ શહેરમાં અમુક વિસ્તારોમાં છાંટા પડયા હતા.

જો વધુ કમોસમી વરસાદ ખાબકે તો ખેતી પાકોનું મોટુ નુકશાન થવાની શક્યતા છે. પોરબંદર જિલ્લામાં સવારે 9 કલાક બાદ અનેક વિસ્તારોમાં છાંટા પડયા હતા. સમગ્ર સૌરાષ્ટ્રભરમાં આજે સવારથી જ વાદળોમાં સૂરજદેવ ઢંકાયેલા રહ્યા હતા. ભરઉનાળામાં વાતાવરણમાં બદલાવ સાથે ગરમીમાં નોંધપાત્ર ઘટાડા સાથે લોકોએ ગરમીથી છૂટકારો મેળવ્યો હતો. હવામાન વિભાગનાં પૂર્વાનુમાન મુજબ હજુ બે દિવસ વાદળછાયા વાતાવરણમાં કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે.

આ સમાચારને શેર કરો