રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં દર્દીને કણસતા છોડી મુકનાર ડોકટરને 4 વિકલી ઓફમાં વૃદ્ધાશ્રમમાં સેવા આપવાની સજા…
➡️ દાખલ હોવા છતાં નિરાધાર વૃદ્ધાને સ્ટેચર પર પીએમ રૂમ પાસે રેઢા મૂકી અમાનવતાવાદી વલણ રાખનાર તબીબોને તપાસ સમિતિ માનવતાના પાઠ ભણાવશે…
➡️ આ કિસ્સામાં સમિતિએ બેદરકાર ડો.જૈનમને સસ્પેન્ડ કરવા અને 1 મહિનાનું સ્ટાઈપેન્ડ રોગી કલ્યાણ સમિતિમાં જમા કરવા તેમજ ડો.હેતનું 7 દિવસનું સ્ટાઈપેન્ડ કાપી લેવા ભલામણ કરી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હવે તંત્ર સુધારા ઐતિહાસિક પગલાંઓ લેવાઈ રહ્યા છે. અગાઉ બેદરકાર નર્સ અને નર્સિંગ છાત્ર સામે ફોજદારી રહે પગલાં લેવાયા છે. ત્યારે તાજેતરમાં વૃદ્ધ મહિલા દર્દીને કણસતા છોડી મુકવામાં આવેલ. જેની તબિયત બગડતા ફરી દાખલ કરવામાં આવ્યા હતા. આ કિસ્સો પ્રકાશમાં આવતા બેદરકારી બદલ સિવિલ હોસ્પિટલના બે ડોકટરે 4 વિકલી ઓફમાં વૃદ્ધાશ્રમમાં સેવા આપવી પડશે તેવી સજા કરવા ભલામણ થઈ છે.
સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક વિભાગના વડા અને મીડિયા કોર્ડીનેટર ડો.ક્યાડાએ આ અંગે પત્રકારોને વિસ્તૃત વિગત આપી હતી. જેમાં જણાવેલ કે, નિરાધાર વૃદ્ધાની સારવાર ન કરવી પડે તે માટે તબીબે સ્ટ્રેચરમાં પીએમ રૂમ પાસે લઈ જઈને રેઢા મૂકી દીધા હતા. આ બાબતે તબીબી અધિક્ષક દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવેલ હતી.
બનાવ બાબતે તપાસ સમિતી દ્વારા તપાસ કરીને અભિપ્રાય તબીબી અધિક્ષકને સોંપેલ હતો. તે અન્વયે તબીબી અધિક્ષક દ્વારા રીપોર્ટ ડીનને આગળની કાર્યવાહી કરવા બાબતે મોકલી આપેલ છે. તપાસ સમિતિ દ્વારા ભલામણ કરાઈ છે કે, ડો.જૈનમને સસ્પેન્ડ કરવા તેમજ એક મહિનાનું સ્ટાઈપન્ડ રોગી કલ્યાણ સમિતિમાં જમા કરાવવું અને ડો.હેતને 7 દિવસનું સ્ટાઇપન્ડ રોગી કલ્યાણ સમિતિમાં જમા કરાવવાની ભલામણ કરવામા આવેલ છે.
આ ઉપરાંત ડો.જૈનમને દર અઠવાડિયે મળતા વિકલી ઓફ માંથી આવતા 4 અઠવાડિયાના વિક ઓફ દરમ્યાન સદભાવના વૃધ્ધાશ્રમનાં વડીલોની સારસંભાળ તેમજ મેડિકલ તપાસ કરવા માટે જવા હુકમ કરવો. અને આ બાબતનું પ્રમાણપત્ર સદભાવના વૃધ્ધાશ્રમ પાસેથી મેળવીને ડીન તથા તબીબી અધિક્ષકની ઓફિસમાં સોશિયલ સર્વિસનાં ભાગ રૂપે જમા કરાવવા માટે ભલામણ કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે, આમ આ કિસ્સામાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગત તા.5/9/204 ના રાત્રીના દશેક વાગ્યાંની આસપાસ મવડી વિસ્તારમાથી 108 એક અજાણ્યા વૃદ્ધાને બેભાન હાલતમાં લાવ્યાં હતાં.જેને ઈમરજન્સી રૂમમાં લઇ જવાયા હતા. ત્યારે વૃદ્ધાને હાથમાં સડો જણાતાં ફરજ પરના તબીબે વૃદ્ધાને જોઇ તપાસી સર્જરી વોર્ડમાં દાખલ થવાનું કેસમાં લખી દીધું હતું.
ત્યારે ઈમરજન્સી વિભાગ પાસે જ આવેલા હેલ્પ ડેસ્કની ટીમના કર્મચારીએ ફરજના ભાગ રૂપે વૃદ્ધાને સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. હેલ્પ ડેસ્ક ટીમ દ્વારા બિનવારસુની દેખ રેખ રાખી સાર સંભાળ રાખવામાં આવતી હોય છે. ત્યારે તેમની ફરજના ભાગરૂપે શુક્રવારે સવારે છ વાગ્યા આસપાસ અજાણ્યા વૃદ્ધાની હાલત કેવી છે તે ચેક કરવા ગયાં ત્યારે સર્જરી વોર્ડમાં તપાસ કરી તો વૃદ્ધા વોર્ડમાં જ ન હતાં.
હેલ્પ ડેસ્કના સ્ટાફે તપાસ શરૂ કરતાં વૃદ્ધા ઈમરજન્સી વિભાગથી અડધો કિલોમીટર દૂર આવેલા પોસ્ટમોર્ટમ રૂમ નજીક સ્ટ્રેચરમાંથી મળી આવ્યા હતા. હેલ્પ ડેસ્કના સ્ટાફે વૃદ્ધાને ફરી સર્જરી વોર્ડમાં દાખલ કરી આરએમઓ ડો.દુસરાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
ઘટનાના પગલે ડો.દુસરાએ હોસ્પિટલના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં 70 વર્ષના આ વૃદ્ધા દર્દીને એક રેસિડેન્ટ ડોક્ટર સ્ટ્રેચરમાં લઇને જતો દેખાયો હતો. અને વૃદ્ધાને વોર્ડને બદલે પોસ્ટમોર્ટમ રૂમ પાસે મુકી દીધાં હતાં. આ વૃદ્ધા વર્ષાબેન ભાસ્કર હોવાનું જાણવાં મળ્યું હતું. જે પછી તપાસ સમિતિ રચાય હતી.

