ખનીજ માફિયાઓ સામે કડક વલણથી બનાવેલી આગવી ઓળખ, ચોટીલામાં બે વર્ષના કાર્યકાળ બાદ મહીસાગર બદલી
ચોટીલા: ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણાની મહીસાગર જિલ્લામાં બદલી કરવામાં આવી છે. અચાનક થયેલી આ વહીવટી બદલીને પગલે ચોટીલા પંથકમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ચોટીલા ખાતે ફરજ દરમિયાન એચ. ટી. મકવાણા ગેરકાયદેસર ખનન અને દબાણ સહિતની પ્રવૃત્તિઓ સામે કડક વલણ માટે ચર્ચામાં રહ્યા હતા. ખાસ કરીને ચોટીલા, થાન અને મુળી તાલુકામાં ખનીજ સંપત્તિના ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. તેમની કામગીરીને કારણે ખનન ક્ષેત્ર સાથે સંકળાયેલા તત્વોમાં તંત્રની કડકાઈનો સંદેશ ગયો હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાતું રહ્યું હતું.
તેઓ સરકારી જમીન પરથી દબાણ દૂર કરાવવા, લેન્ડ ગ્રેબિંગ સામે કાર્યવાહી તેમજ બાયોડીઝલના કથિત ગેરકાયદે વેચાણ સામે પગલાં જેવી કામગીરીને લઈને પણ મકવાણાની કામગીરીની નોંધ લેવામાં આવી છે. આ ઉપરાંત નાગરિકોની રજૂઆતો સાંભળવા માટેની તેમની કાર્યપદ્ધતિ અને સ્થળ પર પ્રશ્નોના નિકાલ માટેના અભિગમની પણ પ્રશંસા કરવામાં આવી છે.
બદલી બાદ સૌથી મોટો સવાલ
એચ. ટી. મકવાણાની બદલી બાદ હવે ચોટીલા પંથકમાં ગેરકાયદેસર ખનન, સરકારી જમીન પરના દબાણ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્રનું વલણ કેવું રહેશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.
ચોટીલાના નવા પ્રાંત અધિકારી તરીકે શૈલેષ કલસરીયા
મળતી માહિતી મુજબ એચ. ટી. મકવાણાની જગ્યાએ વડોદરાથી શૈલેષ કલસરીયાને ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. હવે નવા અધિકારી સમક્ષ ચોટીલા પ્રાંતમાં વહીવટી વ્યવસ્થા જાળવવા સાથે ગેરકાયદેસર ખનન અને સરકારી જમીન સંબંધિત પ્રશ્નો પર અસરકારક કાર્યવાહી કરવાનો પડકાર રહેશે.
એચ. ટી. મકવાણાની મહીસાગર ખાતે નવી જવાબદારી સાથે હવે ત્યાં તેમની કામગીરી કેવી રહે છે અને ચોટીલામાં તેમના સ્થાને આવેલા નવા અધિકારીના કાર્યકાળમાં તંત્રની કામગીરી કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે.
