મોરબી PGVCL કચેરીમાં લાંચ લેતા નાયબ ઈજનેર સહિત બે ઝડપાયા: ACBએ છટકું ગોઠવી ₹20,000 સાથે પકડ્યા.
મોરબી: એક તરફ સરકાર સૌર ઊર્જાના વપરાશને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે મોરબીમાં પીજીવીસીએલ (PGVCL)ના એક ક્લાસ વન અધિકારી સોલાર પેનલ લગાવવાના કામમાં ₹20,000ની લાંચ લેતા રાજકોટ એસીબી (ACB)ના છટકામાં ઝડપાયા છે. અધિકારીએ વચેટિયા મારફતે લાંચની રકમ સ્વીકારતાં જ એસીબીની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા, જેના પગલે વીજ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
લાંચની રકમ સોલાર પ્લાન્ટના મીટર લગાવવા માટે મંગાઈ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીમાં સોલાર પેનલ લગાવવાનું કામ કરતી એક કંપનીના સંચાલકે બે સોલાર પ્લાન્ટનું કામ પૂર્ણ કર્યું હતું. આ બન્ને પ્લાન્ટમાં સમયસર ઇલેક્ટ્રિક મીટર લગાવવા અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની હેરાનગતિ ન કરવાના બદલામાં મોરબી પીજીવીસીએલના ક્લાસ વન અધિકારી અને નાયબ ઈજનેર મિનેષભાઈ અરજણભાઈ જાદવએ ફરિયાદી પાસેથી રૂ. 20,000ની લાંચની માંગણી કરી હતી.
વચેટિયા મારફતે લાંચ લેતા ઝડપાયા
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે રાજકોટ ગ્રામ્ય એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ શુક્રવારે સાંજે પીજીવીસીએલ કચેરી, વેજીટેબલ રોડ પાસે છટકું ગોઠવ્યું હતું. છટકા દરમિયાન નાયબ ઈજનેર મિનેષભાઈ જાદવે ફરિયાદીને લાંચની રકમ પ્રવીણભાઈ નામના વ્યક્તિને આપવા જણાવ્યું હતું. જેવો જે વચેટિયા આરોપી પ્રવીણભાઈએ ફરિયાદી પાસેથી ગેરકાયદેસર લાંચની રકમ રૂ. 20,000 સ્વીકારી, કે તરત જ એસીબીની ટીમે ત્રાટકીને બન્ને આરોપીઓને સ્થળ પરથી ઝડપી લીધા હતા.
વીજ વિભાગમાં સોપો પડી ગયો
ક્લાસ વન અધિકારી વચેટિયા મારફતે લાંચ લેતા પકડાતાં પીજીવીસીએલના એમડી સહિતના ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને સમગ્ર વીજ કર્મચારીઓમાં સોપો પડી ગયો હતો. લાંચના છટકાની આ કાર્યવાહી એસીબીના ટ્રેપિંગ અધિકારી પીઆઈ જે.એમ.આલ, રાજકોટ ગ્રામ્ય અને તેમના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
