મોરબીમાં હાઈવે પર દાદાગીરી: ટ્રક હટાવવાની બાબતે શો-રૂમમાં તોડફોડ અને પિસ્તોલ બતાવી ધમકી
કંડલા બાયપાસ પર ‘ઉમા સ્ટીલ ફર્નિચર’ ના સંચાલક પર હુમલો: બે નામજોગ સહિત 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ
મોરબી: મોરબીના કંડલા બાયપાસ રોડ પર આવેલ ‘ઉમા સ્ટીલ ફર્નિચર’ ના શો-રૂમ પાસે ટ્રક હટાવવાની સામાન્ય બાબતે સર્જાયેલો વિવાદ એટલો ઉગ્ર બન્યો કે આરોપીઓએ હિંસક સ્વરૂપ ધારણ કરી શો-રૂમમાં તોડફોડ કરી હતી અને પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ગંભીર મામલે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે નામજોગ અને ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સતકાર રેસીડેન્સીના રહેવાસી અને ફરિયાદી ઉમેશભાઈ ત્રિભોવનભાઈ મેરજાના શો-રૂમ પાસે આરોપી રણજીતભાઈ જેસીંગભાઈ ચાવડાનો ટ્રક ઉભો હતો. આ ટ્રકને દૂર ખસેડવા બાબતે ફરિયાદીના ભાઈ ચિરાગભાઈએ કહેતા આરોપી રણજીતભાઈએ તેમની સાથે ઝઘડો કરી મારામારી કરી હતી.
આરોપીઓનો આતંક: શો-રૂમમાં તોડફોડ અને પિસ્તોલનો ખૌફ
ત્યારબાદ આરોપી રણજીતભાઈએ દીનેશભાઈ ગગુભાઈ મકવાણા તથા અન્ય ચાર અજાણ્યા ઈસમોને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ, દીનેશભાઈએ પોતાની ફોર્ચ્યુનર કારમાંથી ધોકો કાઢી ફરિયાદી પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ શો-રૂમમાં ઘૂસીને ત્યાં રહેલ ડી.વી.આર. (DVR) તોડી નાખ્યું હતું. આરોપીઓએ પિસ્તોલ જેવું ઘાતક હથિયાર બતાવી ફરિયાદી તથા તેમના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને અપહરણ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
આ સમગ્ર મામલે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે ઉમેશભાઈ મેરજાની ફરિયાદના આધારે રણજીતભાઈ ચાવડા, દીનેશભાઈ મકવાણા અને ચાર અજાણ્યા શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. હાઈવે પર દિવસે-દહાડે બનેલી આ ઘટનાને કારણે વેપારી આલમમાં ફફડાટ અને ભારે ચકચાર મચી જવા પામી છે.

