અકસ્માની ભીતિ વચ્ચે સ્થાનિકોમાં રોષ, તાત્કાલિક જાળી કે આડસ ઉભી કરવાની માંગ
મોરબી : મોરબી શહેરના હાર્દ સમાન મણીમંદિર સામે આવેલા મહેન્દ્ર ડ્રાઇવ રોડ પરની રક્ષણાત્મક દીવાલ લાંબા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. અત્યંત વ્યસ્ત ગણાતા આ માર્ગ પર તૂટેલી દીવાલના કારણે ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ સર્જાય તેવી શક્યતા સેવાઈ રહી છે, જેને લઈને સ્થાનિકો અને મુલાકાતીઓમાં ચિંતા વ્યાપી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મહેન્દ્ર ડ્રાઇવ રોડ પરથી દિવસ-રાત સતત નાના-મોટા વાહનો અને લોકોની ભારે અવરજવર રહે છે. ખાસ કરીને રાત્રિના સમયે આ સ્થળે ગોલાબજાર ભરાય છે અને વિવિધ ખાણીપીણીની લારીઓ ઉભી રહેતી હોય છે. જેના કારણે રાત્રિ દરમિયાન પરિવારજનો અને નાના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો અહીં એકઠા થાય છે.
આવી ભીડભાડવાળી જગ્યાએ રક્ષણાત્મક દીવાલ ક્ષતિગ્રસ્ત હોવાથી અંધારામાં અથવા ભૂલથી કોઈ વ્યક્તિ નીચે ખાબકે તેવી ભયજનક સ્થિતિ સર્જાઈ છે. માર્ગ પર અવરજવર અને લોકોની સતત હાજરીને ધ્યાનમાં લેતા આ સ્થળે તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કરવી જરૂરી બની છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, કોઈ નિર્દોષ નાગરિક અકસ્માતનો ભોગ બને અથવા મોટી જાનહાનિ થાય તે પહેલાં મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવે તે જરૂરી છે. તૂટેલી દીવાલના કારણે રાહદારીઓ તેમજ અહીં આવતા પરિવારોની સુરક્ષા સામે પ્રશ્ન ઊભો થયો છે.
સ્થાનિકોએ માંગ કરી છે કે તૂટેલી દીવાલ પાસે તાત્કાલિક ધોરણે લોખંડની મજબૂત જાળી અથવા યોગ્ય આડસ ઉભી કરવામાં આવે. સાથે જ કાયમી ઉકેલ માટે નવી રક્ષણાત્મક દીવાલનું નિર્માણ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
અકસ્મત બાદ કાર્યવાહી કરવાની રાહ જોવાને બદલે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં જ મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા સ્થળનું નિરીક્ષણ કરી તાત્કાલિક સલામતી વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોમાંથી ઉગ્ર માંગ ઉઠી છે.
