શાબાસ પીપળીયા: સરપંચના બન્ને ઉમેદવારોએ અને તેના ટેકેદારોએ સાથે બેસી ચા-પાણી પીધા.! ગામના વિકાસ માટે એકતા જરૂરી…
વાંકાનેર: ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂરી થઈ, મત ગણતરી પણ થઈ ગઈ અને હાર-જીત પણ થઈ ગઈ, વિજય સરઘસ પણ નીકળી ગયા… કયાંક ખુશી તો ક્યાંક ગમનું વાતાવરણ પણ જોવા મળ્યું… આ એક ચૂંટણીનું પ્રકરણ અહીંયા પૂરું થયું. આમની વચ્ચે એક દિલને ખૂબ જ ઠંડક આપતી ઘટના સામે આવી છે. આ ઘટના આપ વાંચશો એટલે આપ પણ કહશો ‘યે હુઈને બાદ’ શાબાશ…
વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં બંને પેનલો ભારે દમખમથી ચૂંટણી લડ્યા, બંને પેનલના ઉમેદવારો ઉત્સાહી અને યુવાન હતા. બંનેની છબી ખૂબ સાફસુતરી અને નિષ્કલંક હતી અને સાવ કોરી પાટી હતી. બનેએ ચૂંટણી દરમિયાન પોતપોતાનાથી થાય તેવા તમામ પ્રયત્નો કરી લીધા, ચૂંટણી શાંતિથી પતિ અને મતગણતરી પણ થઈ ગઈ… આમાં પૂર્વ સરપંચ મહેબુબભાઇ કડીવારની પેનલના ઉમેદવાર મહમદહનીફભાઈ કડીવાર તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર રિઝવાના ઇલમુદિન ડેકાવડીયા સામે 239 મતથી ચૂંટણી હારી ગયા… આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે, દરેક ચૂંટણીમાં એક ઉમેદવાર જીતે અને એક ઉમેદવાર હારે… પણ વાત અહીંથી નથી અટકતી…
વિજેતા પેનલમાં ભારે ખુશી હતી. કેમ કે લગભગ તેરથી થી સાડાતેર વર્ષ બાદ પંચાયતમાં તેઓ ચૂંટણી જીત્યા હતા અને પંચાયતમાં તેમનું શાસન આવી રહ્યું હતું… સતત ત્રણ ત્રણ ચૂંટણીઓ હાર્યા બાદ ચોથી ચૂંટણીમાં જીત થાય એટલે ઉત્સાહ, આનંદ ,ખુશી બધું હોય એ સ્વાભાવિક છે. ગામમાં ભવ્યાતી ભવ્ય વિજય સરઘસ નીકળ્યું,લોકો પણ એટલા ઉંટી પડ્યા. રીતસરનો એક જલસો થઈ ગયો મસ્ત ઉજવાઈ ગયો… ચારે કોર ખુશી હતી. અને પરાજીત પેનલ ખૂબ શાંત હતી પણ તેમના સરપંચના પરાજિત ઉમેદવાર શાંત તો રહીયા જ પણ ખૂબ ગંભીર નીકળ્યા..!!!
આવા સમયમાં સરપંચની ચૂંટણીમાં પરાજિત થયેલા ઉમેદવાર મહમદહનીફભાઈ કડીવારનો સરપંચના વિજેતા થયેલા ઉમેદવારના પતિ ઇલ્મુદિનભાઈ દેકાવડિયાને ફોન જાય છે… તો હવે વાંચો બંને વચ્ચે ફોનમાં થયેલી વાતચીતનું શાબ્દિક આલેખન…
ઇલ્લુના ફોનમાં રીંગ વાગે છે, ઇલ્લુ ફોન ઉપાડે છે… હલો… અને સામા છેડેથી જવાબ આવે છે, હલો… ઇલ્લુભાઈ હું હનીફ બોલું છું…
ઇલ્લુભાઈ: હા હા બોલો હનીફભાઈ
હનીફભાઈ: સૌ પહેલા તો ભાઈ તમે ચૂંટણી જીત્યા તે બદલ આપને ખુબ ખુબ અભિનંદન…
ઇલ્લુભાઈ: થેન્ક્યુ હનીફ ભાઈ…
હનીફભાઈ: ઇલુભાઇ હું ઈચ્છું છું કે આપણે બધા સાથે મળી ગામની એકતા કરીને ગામનો વિકાસ કરીએ અને હું તમને અને તમારા ગ્રુપને મારા ઘરે ચા પાણી પીવા માટેનું આમંત્રણ આપુ છુ… તો આ બધા આવશો ને…?
ઇલ્લુભાઈ: હનીફભાઈ આથી રૂડું શું હોય? અમે બધા મિત્રો ચોક્કસ આવીશું…
હનીફભાઈ: સારું ઇલ્લુભાઈ તો આપણે સાંજે મળીએ છીએ… પધારો.
ઉપરોક્ત મુજબ બંને વચ્ચે વાત થઈ બાદમાં હનીફભાઈએ તેમના ગ્રુપમાં અને ઈલુભાઇએ તેમના ગ્રુપમાં બધાને જાણ કરવી અને પ્રોગ્રામ ગોઠવાઈ ગયો રાત્રે વારુ પાણી કરીને ઈલુભાઇ અને તેમના ગ્રુપના મિત્રો વડીલો હનીફભાઈના ઘરે જાય છે ત્યાં હનીફભાઈના ઘરે હનીફભાઈ અને તેમના સાથીઓ આ બધા જ મિત્રોને દિલના ઉમળકાથી આવકારે છે. સાથે બેસીને વાતચીત ચર્ચા વિચારણાઓ કરે છે અને હવે આપણે બધાએ સાથે મળીને ગામનો વિકાસ કરવાનો છે. ચૂંટણી પૂરી થઈ ગઈ હવે બધું ભૂલી જવાનું છે. હવે આપણા માટે ગામનો વિકાસ એ જ પ્રાયોરિટી હોવી જોઈએ…

હનીફભાઈએ કહ્યું મારું એક સ્વપ્નું હતું કે… આપણા ગામની એકતા કરવી, આજે તે માટે મેં પ્રયાસ કર્યો છે અને મને લાગે છે આપણે બધા તેમાં સફળ પણ થયા છીએ.

અહીંયા સરપંચના પ્રતિનિધિ તરીકે ઇલ્મુદિનભાઈએ ખાતરી આપી કે અમે હવે માત્ર અમારી એક પેનલના જ નહીં આખા ગામના સરપંચ છીએ. મારા માટે ગામના દરેક વ્યક્તિનું કામ કરવાની મારી ફરજ છે, તેમાં હું ક્યારેય ઊણો નહીં ઉતરું….આ ઉપરાંત સરકારની જે યોજનાઓ મળી રહી છે તે આપણા ગામના એક એક ઘરને લાભ મળવો જોઈએ તેવા મારા પ્રયત્નો હશે. આપ પૂર્વે જે સરપંચો આવ્યા તેમને પણ ગામના વિકાસના કાર્યો કર્યા છે, હવે આપણે ત્યાંથી આગળ વધવાનું છે. હવે આપણે બધાએ સાથે મળીને ગામનો વિકાળ કરવાનો છે. સૌથી ખુશી મને એ છે કે હનીફભાઈ આજે જે પહેલ કરી છે એમને ગામ ક્યારેય નહી ભૂલી શકે… ગામની એકતા અને વિકાસમાં હનીફભાઈનો આ પ્રયાસ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે…
આમ બધા જ મિત્રો વડીલો સાથે મળીને ચા-પાણી પીધા હસી મજાક કરી અને ગામની એકતા સાથે લોકોના કામ થવા પડે અને ગામનો વિકાસ થવો પડે તેવા બધાએ સહિયારા પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો… એ ખરેખર અભિનંદનને પાત્ર છે.

પીપળીયા રાજે આવું કર્યું એટલે મારે હેડિંગ લખવું પડ્યું “શાબાશ પીપળીયા” કેમકે આ જેટલું સરળતાથી આપણે વાંચી લઈએ છીએ કે પરાજિત ઉમેદવારે વિજેતા ઉમેદવારને ઘરે ચા પીવા માટે બોલાવ્યા…!! આવું કરવું વાંચવા જેટલુ સરળ નથી… એના માટે મોટું મન, મોટું દિલ અને ઊંચ વિચાર હોવા ખૂબ જરૂરી છે. જે માટે પહેલ કરનાર મહમદ હનીફભાઈ કડીવારને સૌથી વધુ અભિનંદન આપવા ઘટે…અભિનંદન હનીફભાઈ
આવો નિર્ણય આ ગામ અને ખાસ કરીને પરાજીત ઉમેદવાર હનીફભાઈ કરીવાર અને પૂર્વ સરપંચ મહેબુબાઈ કડીવારની પેનલ આવો ખૂબ જ પરિપક્વતા ભર્યો અને ઉચ્ચ વિચારવાળો નિર્ણય એવા સમયે લેવામાં આવે છે… આ પૂર્વેની ચૂંટણીમાં મહેબૂબભાઈ કડીવાર ચૂંટણી જીતે છે પરંતુ તેમની પાસે સભ્યની બહુમતી ન હોવાથી તેમની સામે ચૂંટાયા બાદ માત્ર બે થી ત્રણ મહિનામાં આવેલ બજેટ મીટીંગમાં બજેટ નામંજૂર થાય છે. બીજા પ્રયત્નો કરવામાં આવે છે, પણ મહેબુબભાઇ તેમની પાસે સભ્ય સંખ્યા પૂરતી ન હોવાના કારણે બજેટ મંજૂર કરાવી શકતા નથી. પરિણામે સરપંચ સહિત આખી બોડી સસ્પેન્ડ થાય છે. ઉચ્ચકક્ષાએ લડત પણ કરવામાં આવે છે પણ તેમાં સરપંચ સફળ થતાં નથી પરિણામ સ્વરૂપે ગ્રામ પંચાયતમાં વહીવટદાર નિમવામાં આવે છે, અને બાદમાં આવેલી ચૂંટણીમાં બંને પેનલ સામસામે દમખમથી ચૂંટણી લડે છે. આ ચૂંટણીમાં મહેબુબભાઇ કડીવારની પેનલ હારી જાય છે અને પછી એ પેનલના પરાજિત ઉમેદવાર આવો મસ્ત નિર્ણય કરે એ ખરેખર તેમની પીઠ થાબડવા જેવું અને અભિનંદન આપવા જેવું કાર્ય છે. એટલે જ હનીફભાઈ અને તેમની આખી પેનલ અભિનંદનને પાત્ર છે ખુબ ખુબ અભિનંદન છેલ્લે પાછું કહેવું જ રહયુ… “શાબાશ પીપળીયા”
આજે આ ઘટના આલેખતા મને કેટલાક વર્ષો પહેલા આવી જ એક મસ્ત ઘટના બનેલી એ યાદ આવે છે. એ કપ્તાનના કેટલાક વાંચકોને ખ્યાલ નહીં હોય એટલે અહીં એ પણ લખું છું… વાત લગભગ દોઢથી બે દશકા પૂર્વેની છે… સિંધાવદર ગ્રામ પંચાયતની ચૂંટણી હતી અને તેમાં ઈસ્માઈલભાઈ આઈએમપી એની જિંદગીની પ્રથમ ચૂંટણી લડી રહ્યા હતા. તેમની સામે તેમના પ્રતિસ્પતિ મરહુમ શેરસિયા હુસેન જલાલ હતા. આ ચૂંટણી આઈએમપી હારી જાય છે અને હુસેનભાઈ ચૂંટણી જીતી જાય છે. રાત્રે ચા પાણીનો પ્રોગ્રામ હુસેનભાઇના ઘરે રાખવામાં આવે છે ત્યારે હુસેન જલાલ આઈએમપીને ફોન કરીને ચા પાણી પીવાનું આમંત્રણ આપે છે. આઈએમપી જેમની સામે તેઓ ચૂંટણી હાર્યા છે તેવા હુસેનભાઇના કરે ચા પીવા જાય છે. ચા પાણી પીએ છે અને કહે છે… ગામના લોકોએ સરપંચ તરીકે હુસેનભાઇને પસંદ કર્યા છે મને પસંદ નથી કર્યો પણ હવે આપણે બધાએ સાથે મળી ગામનો વિકાસ કરવાનો છે, મારી જ્યાં જરૂર પડે ત્યાં કહેજો હું ગામની સાથે છું, સરપંચની સાથે છું. પણ અહીંયા નોંધવા જેવી બાબત એ છે કે વિજેતા ઉમેદવાર પરજીત ઉમેદવારને ચા-પાણી પાઇ છે, જ્યારે પીપળીયા રાજની ઘટના એવી છે જ્યાં પરાજીત ઉમેદવાર વિજેતા ઉમેદવારને ચા પાઈ છે. આ બંને ઘટનાઓ અભિનંદનને લાયક છે અને રાજકીય લોકોએ સમજવા જેવી છે અને અમલમાં મુકવા જેવી પણ ખરી…



જુવો વિડીયો….
જો આપ કપ્તાન ન્યૂઝના whatsapp ગ્રુપમાં જોડાવા ઇચ્છતા હો તો નીચેની લીંક પર ક્લિક કરીને જોડાઈ શકશો…
https://chat.whatsapp.com/BVfwVS51sUlJrrrTd3AtbE
🙏 કપ્તાન ન્યૂઝને ઇન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ, ફેસબુક અને x (ટ્વીટર)માં ફોલોવ કરો. @kaptaan news 🙏

