શૈક્ષણિક

આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ, વિદ્યાર્થીઓ આ નિયમોનું ખાસ ધ્યાન રાખે

આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જો તમે પહેલી વાર બોર્ડની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છો. તો તમારા માટે આ માહિતી છે. તમારે પરીક્ષા આપતા પહેલા અને પરીક્ષા આપતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ. પરીક્ષામાં શું લઈને તમે જઈ શકો. તેના વિશે તમારે જાણવું અગત્યનું છે. જેથી કરીને તમને પરીક્ષા આપવામાં કોઈ તકલીફ ન પડે. ખાસ કરીને સૌથી પહેલા તો પરીક્ષા શરૂ થવાની હોય તેના અડધો કલાક પહેલા તમારે પરીક્ષા સેન્ટર પર જતા રહેવાનું.

જે વિદ્યાર્થીઓ પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે એટલે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ તેઓએ તો આ નિયમ જાણવા જરૂરી જ છે. સાથે જ ધોરણ 12ના વિદ્યાર્થીઓ પણ જે નિયમો કડક કરવામાં આવ્યા છે તે જાણવા જરૂરી છે. શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું છે કે પરીક્ષાના પ્રથમ દિવસે દરેક વિદ્યાર્થીએ પરીક્ષા શરૂ થયાના અડધો કલાક પહેલા પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવી લેવો.

વિદ્યાર્થીઓ બુટ અને મોજાં શક્ય હોય તો પહેરીને નહિ આવવા સૂચના આપવામાં આવી છે. જે વિદ્યાર્થી બુટ મોજાં પહેરીને આવ્યા હશે તેઓએ બુટ મોજાં પરીક્ષા ખંડની બહાર કાઢીને પ્રવેશ મેળવવાનો રહેશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનું કેલ્ક્યુલેટર લઈ જવા પર પ્રતિબંધ છે જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાદુ કેલ્ક્યુલેટર લઈ જઈ શકશે. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ મળશે નહિ. આ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓ મોબાઈલ, ડિજિટલ વોચ કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જવા પર પ્રતિબંધ લગાવાયો છે.

અહીં ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12માં 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે પરીક્ષામાં ગેરરીતિને કોઈ અવકાશ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ગેરરીતિ ડામવા માટે જ પરીક્ષાના તમામ ઉમેદવારો તેમનો બેઠક નંબર પ્રશ્નપત્ર પર લખવો ફરજિયાત છે. તેની કાળજી ખંડ નિરીક્ષકે રાખવાની છે તેવી સૂચના આપવામાં આવી છે. આ અંગે બેદરકારી દાખવનાર ખંડ નિરીક્ષક સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેવી જ રીતે જે વિષયની પરીક્ષા હોય તે વિષયના શિક્ષકોને તે વિષયના પ્રશ્નપત્ર સમયે નિરીક્ષકની ફરજથી દૂર રાખવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો