હળવદ: પોલીસને જોઈ બુટલેગર દારૂ ભરેલી સ્વીફ્ટ કાર મૂકી રફુચક્કર, ₹4.58 લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબી ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: જુના દેવળીયા ગામની સ્કૂલ પાછળથી ગ્રીન લેબલ વ્હીસ્કીની 144 બોટલો મળી આવી
હળવદ | મોરબી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત મોરબી એલ.સી.બી. (LCB) ટીમે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે સફળ દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો અને કાર સહિત કુલ રૂ. 4.58 લાખની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જોકે, પોલીસને જોઈ કાર ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને મોરબી પોલીસ અધીક્ષકની સૂચના મુજબ મોરબી LCB પી.આઈ. એમ.પી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીના આધારે હળવદના જુના દેવળીયા ગામની સ્કૂલ પાછળ જાહેર રોડ પરથી પસાર થતી શંકાસ્પદ સ્વીફ્ટ કાર (નંબર GJ-03-FD-2397) ને અટકાવવાનો પ્રયાસ કરતા પોલીસની કાર્યવાહી જોઈ ચાલક કાર રેઢી મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.
તલાશી દરમિયાન મળેલ મુદ્દામાલ:
પોલીસે લાવારિસ હાલતમાં મળેલી સ્વીફ્ટ કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી:
વિદેશી દારૂ: ગ્રીન લેબલ વ્હીસ્કી (750 ml) ની કંપની સીલ બોટલ નંગ-144, કિંમત રૂ. 1,58,400/-
કારની કિંમત: રૂ. 3,00,000/-
કુલ જપ્ત મુદ્દામાલ: રૂ. 4,58,400/-
પોલીસની આગળની કાર્યવાહી
આ મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે નાસી છૂટેલા કાર ચાલક અને આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તેમજ કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.

