હળવદ: હળવદ તાલુકા ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે તાજેતરમાં જ નિમણૂક પામેલા ડૉ. ચતુરભાઈ ચરમારીએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. તેમની આ અચાનક લેવાયેલી નિર્ણયને કારણે સ્થાનિક રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારના તર્કવિતર્ક શરૂ થયા છે.
ળતી માહિતી મુજબ ડૉ. ચતુરભાઈ ચરમારીએ જણાવ્યું છે કે તેઓ હવે કોળી સમાજના સામાજિક સંગઠનને વધુ મજબૂત બનાવવા અને સમાજ માટે સંપૂર્ણ સમય ફાળવવા ઇચ્છે છે. આ હેતુસર તેમણે રાજકીય પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં ડૉ. ચતુરભાઈ ચરમારી ગુજરાત ચુવાળીયા કોળી સમાજના પ્રવક્તા તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. સમાજના વિવિધ પ્રશ્નો અને સંગઠનને વધુ સશક્ત બનાવવાના ઉદ્દેશથી તેઓ સામાજિક ક્ષેત્રમાં વધુ સક્રિય બનવા માંગતા હોવાનું સામે આવ્યું છે.
બીજી તરફ, થોડાં સમય પહેલાં જ તેમની મહામંત્રી તરીકેની નિમણૂક જાહેર થઈ હતી અને ત્યારબાદ ટૂંકા ગાળામાં જ રાજીનામું આપી દેતાં રાજકીય વર્તુળોમાં અનેક અટકળો અને ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આ સમગ્ર મામલામાં ચંદુ સિહોરા સાથેની વાતચીતનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું પણ સામે આવ્યું છે. જોકે વાયરલ ઓડિયોની સત્યતા અંગે સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.
હાલ આ સમગ્ર ઘટનાક્રમ હળવદ સહિત મોરબી જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે ભાજપ તરફથી અથવા ડૉ. ચતુરભાઈ ચરમારી તરફથી આગામી સમયમાં કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવે છે કે નહીં, તેના પર સૌની નજર મંડાયેલી છે.
