ગુજરાત

જન્મ-મરણના દાખલા મંગળવારથી મોંઘા: 10 ગણો ભાવ વધારો ઝીંકાયો

  • બર્થ એન્ડ ડેથ સર્ટિફીકેટની એક કોપીના હવે રૂ.5ના બદલે રૂ.50 ચુકવવા પડશે

ચોતરફ મોંઘવારીથી ઘેરાયેલા વ્યક્તિ માટે હવે જન્મ અને મરણના દાખલાની કોપી કઢાવી પણ મંગળવારથી મોંઘી થઇ જશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના પરિપત્ર મુજબ કોર્પોરેશને જન્મ અને મરણના દાખલામાં મંગળવારથી 10 ગણો ભાવ વધારો કરવાનો નિર્ણય લીધો છે. જો કે, બજેટમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ પ્રથમ પાંચ કોપી નિ:શુલ્ક આપવામાં આવશે. જેનાથી અરજદારોને સામાન્ય રાહત મળશે. હાલ બર્થ એન્ડ ડેથ સર્ટિફીકેટની એક કોપી માટે અરજદારો પાસેથી રૂ.5 વસૂલવામાં આવે છે. હવેથી રૂ.50 વસૂલ કરવામાં આવશે.

ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યના ગુજરાત રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ (એમેન્ડમેન્ટ) રૂલ્સ – 2025 અમલમાં લાવવા ગુજરાત સરકારના રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરેલ છે. અગાઉ કોઇ મોડી નોંધણી (21 દિવસ થી વધુ)અર્થેની ફી રૂ.2 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.20 કરવામાં આવી છે. અગાઉ કોઇ મોડી નોંધણી(1 માસ થી 1 વર્ષ) અર્થેની ફી રૂ.5 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.50 કરવામાં આવી છે. અગાઉ કોઇ મોડી નોંધણી (1 વર્ષ થી વધુ) અર્થેની ફી રૂ.10 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.100 કરવામાં આવી છે.

સુધારા અનુસાર નિયમ 13 મુજબ અગાઉ કોઇ રેકર્ડની શોધાઇ અર્થેની ફી રૂ.2 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.20 કરવામાં આવી છે. અગાઉ કોઇ રેકર્ડની વધારાના વર્ષની શોધાઇ અર્થેની ફી રૂ.2 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.20 કરવામાં આવી છે. કોઇ જન્મ કે મરણના પ્રમાણપત્ર મેળવવા અર્થેની ફી રૂ.5 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.50 કરવામાં આવી છે. અગાઉ કોઇ રેકર્ડની અપ્રાપ્ય પ્રમાણપત્ર અર્થેની ફી રૂ.2 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.20 કરવામાં આવી છે.

સુધારા અનુસાર નિયમ 16 મુજબ આ નિયમના પેટા નિયમ અનુસાર કોઇ ગુનાના દંડની રકમ રૂ. 25.00 હતી તે વધારીને રૂ.250 કરેલ છે. આ નિયમના પેટા નિયમ (4) અનુસાર કોઇ ગુનાના દંડની રકમ રૂ.10 હતી તે વધારીને રૂ.100 કરી છે.

આ સમાચારને શેર કરો