બિન-સચિવાલય પરીક્ષામાં ગેરરીતિના કૉંગ્રેસે સીસીટીવી ફૂટેજ જાહેર કર્યાં

ખૂબ વિવાદ બાદ લેવામાં આવેલી બિન-સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ બાદ હોબાળો મચી ગયો છે. વિદ્યાર્થીના હોબાળા બાદ હવે કૉંગ્રેસે આ મામલે સુરેન્દ્રનગરના બે સેન્ટરો પર ગેરરીતિ થઈ હોવાના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. કૉંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં પરીક્ષાર્થીઓ ચીઠ્ઠી સાથે પરીક્ષા આપી રહ્યાનું જોઈ શકાય છે. આ મામલો સામે આવતા જ હોબાળો મચી ગયો છે, વિદ્યાર્થીઓએ પરીક્ષાને રદ કરવાની માંગણી કરી છે.

આ મામલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મૌન ધારણ કરી લીધુ છે.

કૉંગ્રેસે જાહેર કરેલા સીસીટીવી ફૂટેજ પ્રમાણે વઢવાણ ખાતે આવેલી શ્રી.એસ.એન. વિદ્યાલય અને વઢવાણની જ શ્રી. સી.યુ.શાહ ઇંગ્લિશ સ્કૂલમાં ગેરરીતિ જોવા મળી હતી. સાથો સાથ સુરેન્દ્રનગર ઉપરાંત અન્ય સેન્ટરોમાં પણ ગેરરીતિ થયાનો કૉંગ્રેસનો આક્ષેપ.

કૉંગ્રેસ પાર્ટીએ દાવો કર્યો છે કે ફક્ત સુરેન્દ્રનગર જ નહીં તેમને પંચમહાલ, ભાવનગર, મહેસાણા, સુરત, ગીર-સોમનાથ સહિત અનેક સેન્ટરોમાં પણ ગેરરીતિ થઈ હોવાની માહિતી મળી છે. જેમાં વર્ગખંડોમાં સામૂહિક ચોરી કરાવવામાં આવી હોય, પેપર ગાયબ કરી દેવામાં આવ્યું હોય, પરીક્ષા દરમિયાન સુપરવાઇઝર ફોનમાં વ્યસ્ત હોય સહિતની ફરિયાદો મળી છે. અનેક જગ્યાએ સમય પૂરો થયો હોવા છતાં પણ પેપર લખવા દેવામાં આવ્યું હતું.

આ સમાચારને શેર કરો