કૃષિગુજરાત

રાજ્ય સરકારે “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના”ની રકમમાં કર્યો મોટો વધારો.

ગાંધીનગર: ખેડૂતોને તેમની ખેતપેદાશોના બજારમાં સારા ભાવ મળે તે માટે ખેતપેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાય અને બજારમાં જ્યારે પાકના સારા ભાવ હોય ત્યારે જ ખેત પેદાશોનું વેચાણ થાય તે ખૂબ જ જરૂરી છે. પરંતુ અનેક ખેડૂતો પાસે કાપણી પછી ખેતપેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હતી. પરિણામે કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવતો હતો.

ગુજરાતના ખેડૂતોની આ વ્યથા સમજીને રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧-૨૨માં નવી “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” અમલમાં મૂકી હતી. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ યોજના અંગે વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં જ સંગ્રહસ્થાન ઉભું કરવા માટે પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકાઈ હતી. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછુ ૩૩૦ ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.

આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૭૫,૦૦૦ સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧,૦૦,૦૦૦ બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવશે.

આ સમાચારને શેર કરો