હળવદ જમીન કૌભાંડમાં મોટો ધડાકો: ધાંગધ્રા પ્રાંત કચેરીના બે પટ્ટાવાળાની ધરપકડ
બનાવટી હુકમો પર સરકારી સિક્કા મારવા બદલ પોલીસની કાર્યવાહી; મુખ્ય આરોપી રમેશ સાંકરીયાની પૂછપરછમાં ભાંડો ફૂટ્યો
હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામની સરકારી જમીનોના રેવેન્યુ રેકર્ડમાં ચેડાં કરી આચરવામાં આવેલા કરોડોના જમીન કૌભાંડમાં હળવદ પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. ધાંગધ્રા પ્રાંત કચેરીમાં તત્કાલીન ફરજ બજાવતા બે પટ્ટાવાળાઓએ બનાવટી હુકમો પર સરકારી સિક્કા મારી આપ્યા હોવાનું ખુલતા ચકચાર મચી ગઈ છે.
કૌભાંડની વિગત: ૯ આરોપીઓ સામે નોંધાયો હતો ગુનો
હળવદ મામલતદાર દ્વારા સરકાર પક્ષે નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામની સરકારી જમીનોનું રેવેન્યુ રેકર્ડ ખોટી રીતે ઊભું કરી જમીન પચાવી પાડવામાં આવી હતી. આ મામલે કુલ ૯ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ પોલીસ તપાસ તેજ કરવામાં આવી હતી.
રિમાન્ડ દરમિયાન મુખ્ય આરોપીએ રાઝ ખોલ્યા
આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગણાતા રમેશ બબાભાઇ સાંકરીયા (રહે. કોયબા) હાલ પોલીસ રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમિયાન પોલીસે સખ્ત પૂછપરછ કરતા રમેશે કબૂલાત કરી હતી કે, આ બનાવટી રેકર્ડ અને હુકમો ક્યાં અને કોની મદદથી તૈયાર કરવામાં આવ્યા હતા. તેણે જણાવ્યું હતું કે ધાંગધ્રા પ્રાંત અધિકારીની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ તેને સરકારી સીલ મારી આપવામાં મદદ કરી હતી.
ધાંગધ્રા પ્રાંત કચેરીના બે કર્મચારીઓ સકંજામાં
મુખ્ય આરોપીની કબૂલાતના આધારે હળવદ પોલીસે તપાસનો દોર ધાંગધ્રા લંબાવ્યો હતો અને તે સમયે પ્રાંત કચેરીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા બે શખ્સોની ધરપકડ કરી છે:
ગોવિંદ પોપટભાઈ કુરીયા (રહે. રાજગઢ, તા. ધાંગધ્રા)
મનસુખ માધાભાઈ કાંટીયા (રહે. આંબેડકરનગર, તા. ધાંગધ્રા)
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ બંને પટ્ટાવાળાઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી બનાવટી હુકમો પર સત્તાવાર રાઉન્ડ સિક્કા/સીલ મારી આપી કૌભાંડમાં મદદગારી કરી હતી.
તંત્રમાં ફફડાટ
સરકારી કચેરીના કર્મચારીઓની જ ધરપકડ થતા રેવેન્યુ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ પટ્ટાવાળાઓએ અન્ય કોઈ ફાઈલોમાં પણ સિક્કા માર્યા છે કે કેમ? અને આ કૌભાંડમાં અન્ય કોઈ ઉચ્ચ અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે નહીં


