ભાવનગરમાં આરોપીને જાહેરમાં માર મારવાના આક્ષેપો : પોલીસ સામે કાનૂની નોટિસ

અમદાવાદના એડવોકેટ આનંદવર્ધન યાજ્ઞિક દ્વારા રાજ્યના મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, DGP અને ભાવનગર SPને નોટિસ પાઠવી કાર્યવાહી કરવાની માંગ

ભાવનગર : ભાવનગરમાં કાજલબેનના હત્યા કેસમાં સંડોવણીના આરોપસર ઝડપાયેલા ફૈઝલ ઉર્ફે ખટકી રફીકભાઈ લખાણીને પોલીસ દ્વારા જાહેરમાં દોરડાથી બાંધી માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે રાજ્યના ઉચ્ચ પોલીસ અને વહીવટી અધિકારીઓને કાનૂની નોટિસ પાઠવવામાં આવી છે.
અમદાવાદના એડવોકેટ આનંદવર્ધન યાજ્ઞિક દ્વારા તા. 5 સપ્ટેમ્બર, 2026ના રોજ પાઠવાયેલી નોટિસમાં જણાવ્યા મુજબ, આરોપીને ગુનાના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરવાના બહાને ભાવનગરના ST બસ સ્ટેન્ડ ખાતે લઈ જવામાં આવ્યો હતો. નોટિસમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ત્યાં નિલમબાગ પોલીસ સ્ટેશનના P.I. ડી.પી.અનડકટના નેતૃત્વ હેઠળ પોલીસ દ્વારા તેને દોરડાથી બાંધી જાહેરમાં માર મારવામાં આવ્યો હતો.

નોટિસમાં વધુમાં આક્ષેપ કરાયો છે કે આરોપીને થાંભલા સાથે બાંધી તેમજ બેન્ચ પર સુવડાવી લાકડી વડે માર મારવામાં આવ્યો હતો અને બાદમાં દોરડાથી બાંધેલી સ્થિતિમાં તેને ખેંચવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના ફોટા અને વીડિયો નોટિસ સાથે પુરાવા તરીકે જોડવામાં આવ્યા હોવાનું પણ જણાવાયું છે.

આ મામલે નોટિસમાં પોલીસ અધિકારીઓ સામે વિભાગીય, શિસ્તભંગ, દંડાત્મક તથા ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ કાનૂની કાર્યવાહી નહીં કરવામાં આવે તો યોગ્ય કાનૂની પગલાં ભરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

Follow Us on