વાંકાનેરના ભલગામ નજીક માર્ગ અકસ્માતમાં પેટ્રોલપંપ કર્મચારીનું મોત

વાંકાનેર: વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે પર ભલગામ નજીક ડમ્પરની અડફેટે પેટ્રોલપંપ કર્મચારીનું ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન મોત નીપજતાં અરેરાટી ફેલાઈ હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના ભલગામ નજીક આવેલા પેટ્રોલપંપ ખાતે નોકરી કરતા દિનેશભાઈ બીજલભાઈ બથવાર (ઉં.વ. 45), રહે. ડોશલીધુના, તા. ચોટીલા ગત તા. 22ના રોજ પેટ્રોલપંપ પર ફરજ પર હતા.

બપોરના સમયે તેઓ પેટ્રોલપંપની સામેની તરફ લઘુશંકા કરવા ગયા હતા. ત્યારબાદ પરત પેટ્રોલપંપ તરફ આવવા માટે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલા જીજે-10-ટીવાય-8484 નંબરના ડમ્પરના ચાલકે તેમને અડફેટે લીધા હતા.

અકસ્મતમાં દિનેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્મત બાદ ડમ્પર ચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ ભીખાભાઈ બીજલભાઈ બથવાર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકની શોધખોળ સહિતની વધુ તપાસ હાથ ધરી છે.

Kaptaan News સાથે જોડાયેલા રહો: મોરબી-રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તાજા સમાચાર માટે અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને Facebook, Instagram, X તથા YouTube પર @kaptaannews — Kaptaan Newsને Follow/Subscribe કરો.

આ સમાચાર શેર કરો

Follow Us on