દિવાળી બાદ વાવાઝોડા માટે તૈયાર રહો, અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આગામી દિવસોના હવામાનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ, દિવાળીના તહેવાર પહેલા રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે.
આગાહી અનુસાર, ઓક્ટોબરના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાનારા વાવાઝોડાને કારણે ગુજરાતના હવામાનમાં મોટો પલટો જોવા મળશે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ, તારીખ 20 થી 22 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમ કે આહવા, ડાંગ અને વલસાડમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે વાદળછાયું વાતાવરણ અથવા હળવા વરસાદના ઝાપટાં પડી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં બે મહત્ત્વની હવામાન પ્રણાલીઓ સક્રિય થવાની સંભાવના છે. જેમાં, ઑક્ટોબરની 23 અને 24 તારીખથી બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું આકાર લેશે, જે 28 અને 29 ઑક્ટોબર સુધીમાં વધુ મજબૂત બનીને ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે.
આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 100 થી 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની અને બંગાળના ઉપસાગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત, 19 ઑક્ટોબરથી અરબી સમુદ્રમાં પણ એક હવામાન પ્રણાલી સક્રિય થતી જોવા મળશે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, બંગાળ ઉપસાગરનું આ વાવાઝોડું અરબી સમુદ્રમાં પ્રવેશ કરીને ભારે ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે. હાલની ગતિવિધિઓ સૂચવે છે કે આ ચક્રવાત પશ્ચિમ સૌરાષ્ટ્રથી દૂર રહીને રાજસ્થાન, પાકિસ્તાન અને ઉત્તર ભારતના ભાગો તરફ જવાની સંભાવના છે, જો કે તેના ચોક્કસ માર્ગ વિશે હાલમાં કોઈ ચોક્કસ આગાહી કરવી શક્ય નથી.
અરબી સમુદ્રમાં સર્જાનાર આ ચક્રવાતની અસર રાજસ્થાન, ઉત્તર ભારતના ભાગો અને ત્યાર પછી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એકસાથે સક્રિય થતી આ હવામાન પ્રણાલીઓને કારણે ગુજરાતનું વાતાવરણ પલટાશે અને ઠંડીના આગમન વચ્ચે માવઠા જેવું વાતાવરણ સર્જાઈ શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, નવેમ્બર મહિનામાં દેશ સહિત ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર આવશે. આ સમયે રાજ્યમાં શિયાળુ ઠંડીના બદલે શિયાળા અને ચોમાસા જેવું મિશ્ર વાતાવરણ જોવા મળશે. આ ઉપરાંત 7 નવેમ્બર પછી દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેની અસર ગુજરાતના કેટલાક ભાગો પર પણ વર્તાશે.

