Placeholder canvas

લોકોમાં ગભરાટ-દહેશતનો માહોલ રોકવા નાઈટ કફર્યુમાં એમ્બ્યુલન્સ સાયરન પર પ્રતિબંધ

કફર્યુના શાંત વાતાવરણમાં એમ્બ્યુલન્સ સાયરનથી લોકોમાં ગભરાટ-દહેશતનો માહોલ રોકવા સરકારનો નિર્ણય: જો કે, ટ્રાફીક હોય તો છુટછાટ

ગુજરાતમાં કોરોનાના ખોફ વચ્ચે સાયરન વગાડતી એમ્બ્યુલન્સોના સતત આંટા ફેરા ભયનો માહોલ સર્જી રહ્યા છે. ખાસ કરીને નાઈટ કરફયુ વખતની નીરવ શાંતિમાં સાયરન ડરનો માહોલ સર્જી રહ્યા છે. ત્યારે રાજય સરકારે રાત્રીના કરફયુ સમયે એમ્બ્યુલન્સના સાયરન વગાડવા પર પ્રતિબંધ મુકી દીધો છે. સરકારી 108 કે ખાનગી તમામ એમ્બ્યુલન્સ માટે આ નિયમ લાગુ પડશે. જો કે, કદાચ કયાંય ટ્રાફીક જામ હોય તો ઈમરજન્સી તરીકે છૂટછાટ છે.

ગુજરાતમાં કોરોનાની સુનામી ત્રાટકી છે અને મહાનગરો સહીત 20 શહેરોમાં નાઈટ કરફયુ છે. કોરોનાના નવા કેસોનો રાફડો છે ત્યારે શાંત વાતાવરણને ચીરતી 108 તથા ખાનગી એમ્બ્યુલન્સોના સાયરન લોકોમાં ડર, ભયનો માહોલ સર્જી રહ્યા છે.

આ ઉચાટનું વાતાવરણ દુર કરવા રાજય સરકારે તમામ એમ્બ્યુલન્સ માટે સાયરન નહીં વગાડવાનો આદેશ જારી કર્યો છે. જો કે ટ્રાફીક જામના સંજોગોમાં છૂટછાટ છે. રાજયમાં હાલ રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર સહીત 20 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધીનો નાઈટ કરફયુ અમલમાં છે.

આ સમય દરમ્યાન નીરવ શાંતિ છવાયેલી હોય છે ત્યારે એમ્બ્યુલન્સના સાયરન દુર-દુર સુધીના વિસ્તારોમાં સંભળાય છે. લોકોમાં ઉચાટ અને દહેશતનો માહોલ સર્જાય છે. લોકોમાં આ ગભરાટ દુર કરવા તથા ચિંતાની પરિસ્થિતિ નિવારવા માટે નાઈટ કરફયુ દરમ્યાન એમ્બ્યુલન્સમાં સાયરન વગાડવા પર પ્રતિબંધ મુકયો છે. કરફયુમાં માર્ગો સૂમસામ જ હોય છે છતાં કોઈ ઈમરજન્સીમાં નિકળતા લોકોને કારણે કયાંય વધુ ટ્રાફીક હોય તો તેવા સંજોગોમાં જ તે વગાડી શકાશે.

રાજય સરકારના આ કદમથી લોકોમાં ચિંતા-ભય સર્જતા એમ્બ્યુલન્સ સાયરનમાંથી કામચલાઉ મુક્તિ મળશે.

આ સમાચારને શેર કરો