ખેડૂતો માટે માઠા સમાચાર, કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાત: રાજયના ખેડૂતો માટે ફરી ચિંતાના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે ફરી ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજયના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં પાટણ, બનાસકાંઠા અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.

આ સાથે હવામાન વિભાગના કહેવા પ્રમાણે કચ્છ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે હવામાન વિભાગે ઉમેર્યું છેકે રાજયના અન્ય કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે. જેમાં રાજકોટ, પોરબંદર અને અમરેલી સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યના અનેક વિસ્તારમાં ધૂમમ્સ ભર્યું વાતાવરણ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએના જણાવ્યા અનુસાર 27 ડિસેમ્બરે વાતાવરણમાં થોડો બદલાવ આવી શકે છે. 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદ થવાની પણ સંભાવના છે. સૌરાષ્ટ્રમાં 28 ડિસેમ્બર બાદ હાલના તાપમાન કરતાં 3 થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. સાથે ગુજરાત ભરમાં 29 ડિસેમ્બર પછી તાપમાન ગગડી શકે છે. હાલમાં સૌથી ઓછું તાપમાન અમરેલીનું જાણવા મળ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. વરસાદ સંભવિત વિસ્તારના ખેડૂતોને 27 અને 28 તારીખ સાચવી લઇ આયોજન કરવા અપીલ કરવામાં આવી છે તેમજ માછીમારો માટે કોઈ એલર્ટ રાખવામાં આવ્યું નથી.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ ઠંડીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે. અમદાવાદ સહિત  રાજ્યના કેટલાક જિલ્લામાં ૨૮-૨૯ ડિસેમ્બરના કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાંથી સામાન્ય રીતે નલિયા ઠંડુંગાર હોય છે. પરંતુ છેલ્લા બે દિવસથી આ વલણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.

આ સમાચારને શેર કરો