કચ્છ: ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં આજે (15 સપ્ટેમ્બર) સવારથી જ ભારે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. માંડવી તાલુકામાં સવારે 8થી 10 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબકતા સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આજે સવારે 8થી 10 વાગ્યા દરમિયાન રાજ્યના 25 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં માંડવીમાં સૌથી વધુ 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છના મુન્દ્રામાં 0.79 ઈંચ, ભુજમાં 0.59 ઈંચ, નખત્રાણામાં 0.39 ઈંચ, લખપતમાં 0.35 ઈંચ, ગાંધીધામમાં 0.24 ઈંચ અને અંજારમાં 0.20 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત પોરબંદર, ઓખામંડળ, સુરત શહેર, કોડિનાર, જામનગર, રાણાવાવ, જાફરાબાદ અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની નોંધ થઈ છે.
છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પર નજર કરીએ તો કચ્છ પંથકમાં મેઘરાજાએ સૌથી વધુ જોર બતાવ્યું છે. અંજાર તાલુકામાં 7.24 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગાંધીધામમાં 4.61 ઈંચ અને ભચાઉમાં 4.41 ઈંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. ભાવનગરના વલ્લભીપુરમાં 6.1 ઈંચ, જામનગર શહેરમાં 5.59 ઈંચ અને રાજકોટના કોટડા સાંગાણીમાં 5.2 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે 15 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવન સાથે ગાજવીજ થવાની પણ સંભાવના છે.
જોકે, 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે.
