મોરબી આયુષ હોસ્પિટલના તબીબની બેદરકારી સામે પીડિત મહિલાની પોલીસમાં ફરિયાદ
સિઝેરીયન ઓપરેશન સમયે તબીબ પેટમાંથી પાટો કાઢવાનું ભુલી જતાં મહિલાને પીડા સહન કરવી પડીઆ
રાજકોટ: મોટા ખીજડીયા તા. ટંકારા, જી. મોરબીના રહેવાસી ફરિયાદી યોગીતાબા બ્રિજરાજસિંહ ઝાલા મોરબી એ-ડીવીઝન પીઆઇને લેખીત ફરિયાદ આપીને જણાવેલ કે, ફરિયાદી બેન દ્વારા આયુષ્યમાન કાર્ડ ઉપર મોરબીની આયુષ હોસ્પીટલ જુના બસ સ્ટેન્ડની બાજુમાં, સાવસર પ્લોટ, મોરબી ખાતે તા.6-1-2023ના રોજ ડીલેવરી કરવા માટે ડો. મિલન શિંગોળાની સલાહ મુજબ ઓપરેશનની હા પાડેલ હતી. તા.6-1-2023ના રોજ ડો. મિલન અને ડો. ભાવનાબેન તેના સ્ટાફ દ્વારા ભોગ બનનારનું સિઝેરીયનથી ઓપરેશન કરેલ અને સાંજના 4-53 વાગે પુત્રીનો જન્મ થયો હતો.
રજા આપ્યા બાદ પણ પેટમાં ડાબી સાઇડમાં ખૂબ જ દુ:ખાવો થતો હતો જેથી ડોક્ટરને વાત કરતાં તેઓએ જણાવેલ કે તાજુ ઓપરેશન છે તેથી વાર લાગશે. ડો. મિલન અને ભાવનાબેન અમોને કોઇ જ યોગ્ય સારવાર આપેલ નહીં અને પોતાની ફરજમાં બેદરકારી દાખવેલ હતી.
3 વર્ષ અને 5 માસ બાદ રાજકોટ પેલ વુમન હોસ્પીટલ, 150 ફૂટ રીંગ રોડ, તપોવન સ્કૂલ રાજકોટમાં સારવાર માટે દાખલ થયેલ અને ડોક્ટરએ રીપોર્ટ કરેલ અને જણાવેલ કે સિઝેરીયન ઓપરેશન સમયે ડોક્ટરની ભુલના કારણે પેટની અંદર કોઇ વસ્તુ રહી ગયેલ તેમ જણાઇ આવે છે તેથી તમોને દુ:ખાવો રહે છે અને આ વસ્તુ કાઢવી ખૂબ જ જરુરી છે તેથી ઓપરેશન ફરજિયાત છે તેવી સલાહ મુજબ અમો તા.29-6-2026ના રોજ ઓપરેશન કરાવેલ હતું અને અમારા ચાલુ ઓપરેશન દરમિયાન પેટમાંથી ગોઝ-પાટો ડોક્ટરએ ઓપરેશન દ્વારા કાઢેલ હતું તેનો વીડિયો રેકોર્ડીંગ અમોને આપેલ હતો.
ડોક્ટર અને આયુષ હોસ્પીટલ મેનેજમેન્ટની લા-પરવાહીના કારણે ભોગ બનનાર-ફરિયાદી શરીરમાંથી ડાબી બાજુનું અંડાશય કાઢવું પડેલ છે. શરીરના અવયવોને આજીવન નુકશાની થયેલ છે. આ એક ગંભીર પ્રકારનો ગુનો છે તે માત્ર અને માત્ર આયુષ હોસ્પીટલ મેનેજમેન્ટ અને સ્ટાફ નેગલીઝનસીના કારણે થયેલ છે તેથી ભોગ બનનાર મહિલા દ્વારા મોરબી પોલીસમાં ડોક્ટરની સામે લેખિત ફરિયાદ કરીને બીએનએસની કલમ 105,116,117, 118, 125 મુજબ તથા અન્ય જે કાયદાઓ લાગુ પડતા હોય તેના મુજબ ગુનો નોંધવા અરજ કરેલ છે.


