Placeholder canvas

વિસાવદરમાં પોલીસની હાજરીમાં ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલો.

જૂનાગઢના વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આવેલા આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલાની ઘટના બની છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે અજાણ્યા શખ્સોએ ઈસુદાન ગઢવી અને મહેશ સવાણીની ગાડી સહિત પાંચથી સાત ગાડીઓમાં તોડફોડ કરતા બે લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી છે.

કાળા વાવટા ફરકાવી હુમલો કરાયો
વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરાયું હતું. સભા સંબોધવા માટે આપના નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી લેરિયા ગામ પહોંચ્ય હતા. આ સમયે અજાણ્યા શખ્સો દ્વારા ઈસુદાન અને મહેશ સવાણીની ગાડીના કાચ તોડ્યા હતા.ગાડી પર પથ્થરમારો કરતા કુલ પાંચથી સાત ગાડીઓમાં નુકસાન થયું છે તો બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામા આવ્યા છે.

ગુજરાત બીજું બિહાર બની ગયું છે- ઈસુદાન ગઢવી
હુમલામાં માંડ માંડ બચેલા આપના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, મારી ગાડીમાં હું, પ્રવીણ રામ અને મહેશ સવાણી હતા. ત્યારે પાછળથી ગાડી પર હુમલો કરાયો, અમે સીટ નીચે છુપાઈ જતા બચી ગયા છીએ. એક વાત ચોક્કસ છે કે, ગુજરાત બીજું બિહાર બની ગયું છે. ગુજરાતની સ્થિતિ બહુ કથળી ગઈ છે. ભાજપ પ્રેરિત ગુંડાઓ આ સ્થિતિએ જશે એ અમને ખબર ન હતી.પરંતુ, હવે ગુજરાતની જનતા આ લોકોને જવાબ આપશે.ગુજરાતમાં બહુ ગંભીર સ્થિતિ છે. અમે આગળની કાર્યવાહી કરીશું.

પોલીસની હાજરીમાં હુમલો
લેરિયા ગામમાં આજે આપની સભા હોય પોલીસ બંદોબસ્ત હતો. પોલીસની હાજરીમાં જ આપના નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. હુમલાની ઘટનાના પગલે હાલ લેરિયા ગામનો કાર્યક્રમ મોકુફ રાખવામા આવ્યો છે.

ભાજપના ગુંડાઓએ હુમલો કર્યાનો આરોપ
વિસાવદરના લેરિયા ગામમાં આપના ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર થયેલો હુમલો ભાજપના ગુંડાઓએ કરાવ્યા હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આરોપ લગાવ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપની ધમાકેદાર એન્ટ્રી અને વધી રહેલા જનાધારના કારણે ભાજપ ડરી ગઈ હોવાનો દાવો કરાયો છે.

સોમનાથમાં પણ હુમલાનો પ્રયાસ થયો હતો
બે દિવસ પહેલા સોમનાથમાં જન સંવેદના યાત્રાની શરૂઆત માટે પહોંચેલા આમઆદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો સોમનાથ મંદિર પરિસરની બહાર બ્રહ્મ સમાજ અને હિન્‍દુ સંગઠનના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કરી હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ વિરોધ પાછળ ગોપાલ ઇટાલિયાનો વાઇરલ થયેલો જૂનો વીડિયો હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે આ વિરોધ નહીં, પણ ભાજપ પ્રેરિત લોકોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ આમઆદમી પાર્ટીના નેતાએ લગાવ્‍યો હતો.

આ સમાચારને શેર કરો