અવેડામાં પાણી ઓછું હોવા મુદ્દે દિઘલિયામાં : મહિલા સરપંચના પરિવાર પર હુમલો
પશુઓને પાણી પીવડાવવા બાબતે ઉશ્કેરાયેલા એક જ પરિવારના 6 શખ્સોએ લાકડીઓ સાથે યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી
વાંકાનેર: વાંકાનેર તાલુકાના દિઘલિયા ગામે ગ્રામ પંચાયત દ્વારા પશુઓ માટે બનાવવામાં આવેલા અવેડામાં પાણી ઓછું હોવાની નજીવી બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. પશુઓને પાણી પીવડાવવા આવેલા શખ્સોએ મહિલા સરપંચના દિયર અને તેના પરિવાર સાથે ગાળાગાળી કરી, લાકડીઓ વડે હુમલો કરવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકે 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

શું છે સમગ્ર ઘટના?
પ્રાપ્ત વિગતો અનુસાર, દિઘલિયા ગામે રહેતા અને ગામના મહિલા સરપંચના દિયર અબ્દુલભાઇ સાવદીભાઈ ખોરજીયા (ઉ.વ. 41) એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 20 એપ્રિલના રોજ આરોપી સામતભાઈ ખેંગારભાઈ પોતાના માલઢોર લઈને પંચાયતના અવેડામાં પાણી પીવડાવવા આવ્યા હતા. અવેડામાં પાણી ઓછું હોવાથી તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી શરૂ કરી હતી.

સરપંચને રજૂઆત કરવાનું કહેતા મામલો બિચક્યો
જ્યારે ફરિયાદીના પત્નીએ આરોપીને એમ કહ્યું કે, “તમારે જે કાંઈ કહેવું હોય તે સરપંચને રૂબરૂ રજૂઆત કરો”, ત્યારે આરોપીઓ વધુ રોષે ભરાયા હતા. ત્યારબાદ તમામ આરોપીઓ એકસંપ થઈ લાકડીઓ લઈને ધસી આવ્યા હતા અને ફરિયાદીના ભાઈ, માતા, પત્ની તેમજ પુત્રને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસે આ 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો:
(૧)સામતભાઈ ખેંગારભાઈ
(૨)પ્રવીણભાઈ સામતભાઈ
(૩)મહેશભાઈ સામતભાઈ
(૪)લાખાભાઈ ખેંગારભાઈ
(૫)જયપાલભાઈ લાખાભાઈ
(૬)મહિપાલભાઈ લાખાભાઈ
હાલ વાંકાનેર તાલુકા પોલીસે તમામ 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક બની છે.

