વાંકાનેર

વાંકાનેર: ગ્રીનચોકમાં અકસ્માતનો ખાર રાખી કાપડના વેપારી પર હુમલો…

વાંકાનેર: શહેરના ગ્રીનચોક વિસ્તારમાં થોડા દિવસો પહેલા એક્ટિવા અને સાયકલ વચ્ચે થયેલા સામાન્ય અકસ્માતનો ખાર રાખીને બે ઈસમોએ શહેરની મેઈન બજારમાં આવેલ એક કાપડના વેપારીની દુકાને જઈને ધમાલ મચાવી હતી. તેમણે વેપારી સાથે બેફામ ગાળાગાળી કરી માર મારતા, આ મામલે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર શહેરની મેઈન બજારમાં કપડાની દુકાન ચલાવતા વેપારી ઇમરાનભાઈ દાઉદભાઈ માણકીયાએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં આરોપીઓ ઈરફાનભાઈ અબ્દુલભાઈ કાજી અને વશીમભાઈ અબ્દુલભાઈ કાજી (રહે. બંને સલોત શેરી, વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદીનો પુત્ર એક્ટિવા બાઇકમાં ગ્રીનચોક નજીકથી પસાર થતો હતો, ત્યારે આરોપીઓના પુત્ર સાથે સાયકલ પર અકસ્માત સર્જાયો હતો. આ બાબતનો ખાર રાખીને બંને આરોપીઓએ ફરિયાદીની દુકાને આવીને ધમાલ મચાવી હતી. તેમણે વેપારી ઇમરાનભાઈને બેફામ ગાળાગાળી કરી ફડાકા ઝીંકી માર માર્યો હતો.
આ બનાવ અંગે વેપારી ઇમરાનભાઈ માણકીયાએ પોલીસ ફરિયાદ નોંધાવતા, વાંકાનેર સિટી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો