ખંભાળિયા નજીક ટોલનાકા પર યુવકો પર જીવલેણ હુમલો…
ખંભાળીયાના ધરમપુર વિસ્તારમાં શિવપાર્ક સોસાયટી-1 ખાતે રહેતા ફરિયાદી દેવુભાઈ ડાડુભાઈ ચાવડા પોતાની કાર લઈ જામનગરથી ખંભાળીયા આવતા હતા.તે દરમ્યાન જામનગર હાઈવે પર ધરમપુર-દાતા ટોલનાકા પર તેમની કાર ફાસ્ટટેગ દ્વારા ટોલટેક્સ કપાવવા માટે ઉભી રાખી હતી.
જે દરમ્યાન કેટલાક શખ્સો ગેરકાયદે મંડળી રચી હથિયારો ધારણ કરી તેમની પાસે ધસી આવ્યા હતા. જેમાં આરોપી કિશન ગઢવીએ ફરિયાદી દેવુભાઈને રોકડ ટોલટેક્સ આપવા કહેતા દેવુભાઈએ તેમને ફાસ્ટટેગ વડે ટોલટેક્સ આપવાનું કહેતા આરોપી નાગડા ગઢવી, સામરા ગઢવી, રાજદીપસિંહ, ધવલ ગઢવી, નિખિલ, સુનિલગીરી, અનોપ મેનેજર, પ્રકાશ ગઢવીએ ફરિયાદી દેવુભાઈ સાથે બોલાચાલી કરી બેફામ ગાળો ભાંડી હતી.
બાદમાં આરોપી કિશન ગઢવી, નાગડા ગઢવી તથા સામરા ગઢવીએ ફરિયાદી દેવુભાઈને માર મારી તેમની કારની ચાવી કાઢી લઈ દેવુભાઈને થોડે દુર લઈ જઈ આરોપી કિશન ગઢવી, નાગડા ગઢવી તથા રાજદીપસિંહએ દેવુભાઈ સાથે ઝપાઝપી કર્યા પછી ઓફિસની અંદર લઈ જઈ આરોપીઓએ ફરિયાદી દેવુભાઈ તથા સાહેદ પરેશ ચાવડા તથા જયદીપસિંહ જાડેજાને બેફામગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ત્યારબાદ આરોપીઓએ દેવુભાઈ તથા સાહેદોને મારી નાખવાના ઇરાદે આરોપી હર્ષદ ગઢવીએ સાહેદ પરેશ ચાવડાને માથામાં ધોકો મારી ઇજા કરી હતી તથા આરોપી અનોપ મેનેજરે સાહેદ જયદીપસિંહને ધોકા વડે માર મારી ફેક્ચર સહિતની ઇજાઓ પહોચાડી હોવાનો બનાવ બહાર આવ્યો છે.
ઉપરાંત 0007 નંબરની થાર કારમાં આવેલા આરોપી ઉદય ગઢવી તથા સાજા ગઢવીએ ફરિયાદી દેવુભાઈ તથા સાહેદોને ઓફીસમાં બંધ કરી આરોપી કિશનએ મારી નાખવાના ઈરાદાથી દેવુભાઈને બેફામ માર મારી ફેક્ચર સહિતની ઇજાઓ પહોચાડી હતી. ઉપરાંત આરોપી યાસીન તથા મનોજ ગઢવીએ પણ માર મારી ઇજાઓ પહોંચાડી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે પોલીસે દેવુભાઈ ચાવડાની ફરિયાદ પરથી ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.આ બનાવની વધુ તપાસ પી.આઈ ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.