લક્ષ્મીપરામાં મામીએ અન્ય યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હોવાનો ખાર રાખી ભાણેજે બે સાગરીતો સાથે મળી લાકડી-બેલ્ટ વડે હુમલો કર્યો; પતિને માથામાં ત્રણ ટાંકા આવ્યા
વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં પ્રેમલગ્નના મનદુઃખને લઈ મારામારીની ઘટના સામે આવી છે. એક મહિલાએ અન્ય યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હોવાનો ખાર રાખીને તેના ભાણેજે પોતાના બે સાગરીતો સાથે મળી મહિલાના પતિના ભાઈ, ભાભી અને ભત્રીજા પર લાકડી, બેલ્ટ અને ઢીકાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડ્યાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેરના **લક્ષ્મીપરા શેરી નં. ૨માં રહેતા સાહીનબેન વસીમભાઈ અમરેલીયા (ઉ.વ. ૪૧)**એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં અલ્ફેઝ અલીમામદ માણેકીયા, મેહુલ ઠાકોર તથા એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, સાહીનબેનના દિયર તનવીરભાઈએ આરોપી અલ્ફેઝની મામી યાસ્મીનબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ વાતનો ખાર રાખીને આરોપી અલ્ફેઝ ગત તા. ૦૪/૧૦/૨૦૨૬ના રાત્રિના આશરે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં મેહુલ ઠાકોર તથા એક અજાણ્યા શખ્સને સાથે લઈ તનવીરભાઈના ઘર પાસે આવ્યો હતો.
ત્રણેય શખ્સોને ત્યાં ઉભેલા જોઈ સાહીનબેન, તેમના પતિ વસીમભાઈ અને પુત્ર અયાન ઘરની બહાર આવ્યા હતા. તેમણે રાત્રિના સમયે અહીં ન આવવા અને ત્યાંથી જતા રહેવા જણાવ્યું હતું. આ વાતથી ઉશ્કેરાયેલા અલ્ફેઝે પોતાની પાસે રહેલી લાકડી વડે વસીમભાઈના માથાના ભાગે હુમલો કર્યો હતો.
જ્યારે સાથે આવેલા અજાણ્યા શખ્સે પેન્ટનો બેલ્ટ કાઢી સાહીનબેન અને તેમના પુત્ર અયાનને બેલ્ટ તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલાખોરોએ ગાળો આપી મારામારી કરતાં બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકો એકત્ર થતાં ત્રણેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા.
માથામાં ગંભીર ઈજા, ત્રણ ટાંકા આવ્યા
હુમલામાં વસીમભાઈના માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથામાં ત્રણ ટાંકા લેવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે સાહીનબેનની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#વાંકાનેર #લક્ષ્મીપરા #વાંકાનેરપોલીસ #મારામારી #પ્રેમલગ્ન #ક્રાઈમન્યૂઝ #MorbiNews #WankanerNews #KaptaanNews
