હાઇકોર્ટમાં હાજર ન થતાં આણંદ ટાઉનના PIને 15 હજારનો દંડ ફટકાર્યો…

કોર્ટના હુકમ છતાં હાજર નહીં થનારા આણંદ ટાઉન PI વિજયસિંહ ઝાલાને હાઇકોર્ટે 15 હજારનો દંડ ફટકાર્યો છે. અગાઉ તેમની સામે જામીનપાત્ર વોરંટ પણ નીકળ્યું હતું. આણંદ ટાઉન પોલીસ મથકે વર્ષ 2015માં આશરે 20 આરોપી સામે મિલકતને લઈને મારામારીને લગતી ફરિયાદ નોંધાઈ હતી. જેમાં છ જેટલી મહિલાઓ અને બે સગીરો પણ સામેલ હતા. જેની ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે આરોપીઓ સામે નકારાત્મક પગલાં નહીં લેવા અને કોર્ટની પૂર્વ મંજૂરી વગર ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ નહીં કરવા હુકમ કરાયો હતો.

આ કેસની તપાસ કરી રહેલા તપાસ અધિકારી આણંદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિજયસિંહ ઝાલા તપાસ રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકતા નહોતા અને કોર્ટનો હુકમ છતાં કોર્ટ સમક્ષ હાજર રહ્યા નહોતા. કોર્ટે નોંધ્યું હતું કે સિવિલ કેસમાં કોઈપણ પાયા વગર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટે તેમ છતાં આ કેસમાં તપાસ ચાલુ રાખવા માટે પોલીસને પરવાનગી આપી હતી. હાઇકોર્ટનો હુકમ છતાં તપાસ અધિકારી કોર્ટ સમક્ષ ઉપસ્થિત ન રહેતા તેમની સામે અગાઉ જામીનપાત્ર વોરંટ કઢાયું હતું. સાથે જ આણંદના SP પાસેથી જવાબ મગાયો હતો કે તેઓ તપાસ અધિકારી સામે શું પગલાં લેશે. આણંદ SPએ તપાસ અધિકારી સામે ખાતાકીય તપાસ ચાલુ થઈ હોવાનું જણાવ્યું હતું.

હાઇકોર્ટે નોંધ્યું હતું કે PIએ કોર્ટનું સન્માન જાળવ્યું નથી. જેથી હાજર થયેલા તપાસ અધિકારીને 15 હજારનો દંડ ફટકારવામાં આવે છે. જે તેઓએ આણંદ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં સાત દિવસમાં જમા કરાવી દેવા હુકમ કરાયો હતો. આ સાથે જ કોર્ટના હુકમને આણંદ SPને મોકલી આપ્યો હતો. જેની નોંધ તપાસ અધિકારીના સર્વિસ રેકોર્ડમાં કરાશે કે કેમ તેનો જવાબ પણ હાઇકોર્ટે માગ્યો છે.

આ સમાચારને શેર કરો