વાંકાનેરમાં માનવતાની મિસાલ : હાઈવે પર ભટકતા વૃદ્ધ માજીને મળ્યો શિવાલયનો આશરો

વઘાસિયાના યુવરાજસિંહ ઝાલાની સંવેદનશીલ નજર પડી અને ગણતરીની મિનિટોમાં માજીને મળ્યું સુરક્ષિત આશ્રય

વાંકાનેર: નેશનલ હાઈવે પર ટોલનાકા નજીક છેલ્લા બે દિવસથી એક વૃદ્ધ માજી એકલાં જ આમતેમ આંટા મારતા જોવા મળતાં હતાં. ઉંમરની આ અવસ્થામાં એકલાં અને નિઃસહાય હાલતમાં ફરતાં આ માજીને જોઈને વઘાસિયાના સમાજસેવક યુવરાજસિંહ ઝાલાનું હૃદય દ્રવી ઉઠ્યું.

માજી ક્યાંથી આવ્યાં છે? તેમનું ઘર ક્યાં છે? પરિવાર ક્યાં છે? આવા અનેક સવાલો વચ્ચે યુવરાજસિંહ ઝાલાએ માનવતાના નાતે તાત્કાલિક મદદ કરવાનો નિર્ણય લીધો. તેમણે શિવાલયનો સંપર્ક કરી સમગ્ર વાત જણાવી હતી. વાત મળતાં જ રાજદીપસિંહ પરમાર અને તેમની ટીમ તાત્કાલિક ટોલનાકા પાસે પહોંચી હતી અને વૃદ્ધ માજીને પોતાની સાથે લઈ જઈ સુરક્ષિત રીતે મિલ પ્લોટ વિસ્તારમાં આવેલા શિવાલયમાં આશરો આપ્યો હતો.

શિવાલય માત્ર એક આશ્રયસ્થાન નથી, પરંતુ જેમનું આ દુનિયામાં કોઈ નથી અથવા વૃદ્ધાવસ્થામાં સહારાની જરૂર છે તેવા નિઃસહાય વૃદ્ધો માટે માનવતાનું ઘર બની રહ્યું છે. અહીં આવા વૃદ્ધોને રહેવા માટે આશરો અને જરૂરી સંભાળ આપવામાં આવે છે.

આ વૃદ્ધ માજી કોણ છે, ક્યાંના છે અને તેમનો પરિવાર ક્યાં છે તેની હાલ કોઈ માહિતી મળી નથી. કદાચ કોઈ પરિવાર પોતાના સ્વજનની શોધમાં હશે અને કદાચ આ માજીની આંખો પણ પોતાના પરિવારજનોને શોધી રહી હશે.

આથી વાંકાનેર અને આસપાસના વિસ્તારના લોકો માટે એક હૃદયસ્પર્શી અપીલ છે કે આ માજીને કોઈ ઓળખતું હોય અથવા તેમના પરિવાર અંગે કોઈ માહિતી હોય તો તાત્કાલિક જાણ કરશો. તમારી એક નાની મદદથી કદાચ એક વૃદ્ધ માતાની તેમના પરિવાર સાથે ફરી મુલાકાત થઈ શકે છે.

માનવતા હજુ જીવંત છે… યુવરાજસિંહ ઝાલાની સંવેદનશીલતા અને શિવાલયની ટીમની તાત્કાલિક મદદે એક નિઃસહાય વૃદ્ધ માજીને રસ્તા પરથી ઉઠાવી સુરક્ષિત આશ્રય આપ્યો છે. હવે જરૂર છે માત્ર એટલી કે કોઈ તેમને ઓળખે અને આ માજીને ફરી પોતાના પરિવારનો હાથ મળે.

આ સમાચાર શેર કરો

Follow Us on