આરોગ્યસૌરાષ્ટ્ર

રાજકોટ: અમુલ-ગોપાલ ભેંસના ઘીમાં ભેળસેળનું કારસ્તાન : નમુનાઓ ફેઇલ

રાજકોટ: મ્યુનિ. કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા થોડા સમય પહેલા લેવામાં આવેલા ઘી, ડ્રાયફ્રુટ, ફરસાણના નમુના લેબોરેટરી પરીક્ષણમાં સબ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડેડ જાહેર થતા ખળભળાટ મચ્યો છે. કારણ કે અમુલ અને ગોપાલ ઘીમાં પણ ભેળસેળ કરીને અસલના નામે નકલી ઘી વેંચવાનું કારસ્તાન પણ સાબિત થયું છે. કંપનીના નામે ઘીમાં ભેળસેળ કરાતી હોવાની શંકા સાથે મનપા દ્વારા કાયદેસર કાર્યવાહીની તજવીજ શરૂ કરવામાં આવી છે.

આજે મનપા ફૂડ વિભાગે નાપાસ થયેલા નમુનાઓની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે થોડા સમય પહેલા શંકા પરથી પોલીસે નકલી ઘી પકડયું હતું. આ જથ્થો ભૂપેન્દ્ર રોડ પર આવેલી દિવાનપરા ક્રાઇમ બ્રાંચની ઓફિસે રાખવામાં આવ્યો હતો. મનપાએ મોન્ટુ બિપીનભાઇ જોબનપુત્રા નામના વેપારીના આ જથ્થામાંથી પ00 એમએલ અમુલ પ્યોર ઘી અને ગોપાલ પ્યોર ઘીનો નમુનો લઇને લેબોરેટરીમાં મોકલ્યો હતો. આ બંને નમુનામાં વેજીટેબલ ફેટ (કૃત્રિમ)ની હાજરી જોવા મળી હતી. જેથી નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયો છે. કંપનીના પેકીંગમાં ભેળસેળવાળુ ઘી વેંચાતુ હોવાની જે તે સમયે પોલીસે જાહેરાત કરી હતી.

નિષ્ફળ થયેલા અન્ય નમુના અંગે માહિતી આપતા ડેઝી. ઓફિસર અમિત પંચાલે જણાવ્યું હતું કે મનહર પ્લોટમાં આવેલા રસીકભાઇ બાબુભાઇ સવાણીના રૂપકલા નોવેલ્ટી સ્ટોર અને કેવડાવાડી મેઇન રોડ પર ગરબી ચોકમાં આવેલા કમલેશભાઇ હરજીવનભાઇ તન્નાને ત્યાંથી ભેંસના શુધ્ધ ઘીનો નમુનો પણ લેવામાં આવ્યો હતો. આ બંને ઘીમાં પણ વેજીટેબલ ફેટ હાજર મળતા નમુનો નાપાસ થયો છે. વેજીટેબલ ફેટ લોકોના આરોગ્યને નુકસાન કરતું રહે છે.

આ સમાચારને શેર કરો