વાંકાનેરના આંબેડકર નગરમાં ગાળો બોલવાની ના પાડતા છ શખ્સોનો પરિવાર પર હુમલો: ભાઈ-બહેન અને પિતા ઇજાગ્રસ્ત
વાંકાનેર: વાંકાનેર શહેરના આંબેડકર નગર વિસ્તારમાં નજીવી બાબતે ઉગ્ર મામલો સર્જાયો હતો. ઘર પાસે ગાળાગાળી કરતા શખ્સોને આમ કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા છ આરોપીઓએ એક જ પરિવારના ત્રણ સભ્યો – ભાઈ, બહેન અને પિતા પર લાકડીઓ અને ઢીકા-પાટુ વડે હુમલો કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર શહેરના આંબેડકર નગર, શેરી નં. ૦૩માં રહેતા વૈશાલીબેન મહેશભાઈ રાઠોડએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં છ જેટલા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબના આરોપીઓ:
૧. મહેશભાઈ મનુભાઈ સોલંકી (રહે. આંબેડકર નગર)
૨. મનુભાઈ નથુભાઈ સોલંકી (રહે. આંબેડકર નગર)
૩. પ્રકાશભાઈ મનુભાઈ સોલંકી (રહે. આંબેડકર નગર)
૪. અમ્રતભાઈ નથુભાઈ સોલંકી (રહે. આંબેડકર નગર)
૫. જયાબેન મનુભાઈ સોલંકી (રહે. મહાવીરનગર, વાંકાનેર)
૬. શીતલબેન મનુભાઈ સોલંકી (રહે. મહાવીરનગર, વાંકાનેર)
વૈશાલીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીઓ તેમના ઘર પાસે ગાળો બોલી રહ્યા હતા. વૈશાલીબેને અને તેમના પરિવારે ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ, તમામ છ આરોપીઓએ ભેગા મળીને વૈશાલીબેન, તેમના ભાઈ અને તેમના પિતા પર એકસામટો હુમલો કર્યો હતો. આરોપીઓએ ઢીકા-પાટુનો માર મારવા ઉપરાંત લાકડી વડે પણ હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.
આ બનાવ બાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વૈશાલીબેનની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે તમામ છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
