ગુજરાત

ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યમાં માવઠાના એંધાણ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે. ફેબ્રુઆરીના મધ્યમાંથી બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ચારથી પાંચ ડિગ્રી ઊંચું નોંધાઈ રહ્યું છે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ પહોંચ્યું છે અને લઘુતમ તાપમાન વધીને 15 થી 20 ડિગ્રી આસપાસ નોંધાયું છે. વહેલી સવારે ઠંડા પવનોને કારણે ઠંડીનો અહેસાસ થાય છે. જ્યારે બપોર થતા જ ગરમીનો અહેસાસ થવા લાગે છે. જોકે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હતું જેના કારણે છેલ્લા 24 કલાકથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પત્રકારોને જણાવ્યું છે કે, ફેબ્રુઆરીની આખરમાં અને માર્ચ મહિનાની શરૂઆતમાં હવામાન ક્ષેત્રે ભારે ફેરફાર થવાની શક્યતા રહેશે. ગુજરાતના મહત્તમ ભાગોમાં 27 ફેબ્રુઆરી આસપાસથી વાદળો આવવાની શક્યતાઓ રહેશે. મહેસાણાના ભાગો, પંચમહાલના ભાગો, રાજકોટના ભાગો, કચ્છના ભાગોમાં હવામાનમાં ફેરફાર આવશે.

27 ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાન ઘટવાની શક્યતાઓ રહેશે. મહત્તમ તાપમાન ગુજરાતના ભાગોમાં 31થી 32 ડિગ્રી અને કોઈ કોઈ ભાગોમાં 35 ડિગ્રી તાપમાન થઈ જવાની શક્યતાઓ રહેશે. 27 ફેબ્રુઆરીથી ગરમીમાં આંશિક રાહત મળતી જણાશે. 24 ફેબ્રુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે.

માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં પણ હવામાનમાં મોટા ફેરફાર થશે. આ વખતે લા નીનાની અસર લગભગ કદાચ એપ્રિલ મહિના સુધી રહી શકે અને લા નીના ન્યુટ્રલ કન્ડિશન બની છે તે પછી જ ખ્યાલ આવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર કોઈ કોઈ ભાગમાં વાદળછાયું અથવા તો છાંટા પડવાની શક્યતાઓ રહેશે. 24 ફેબ્રુઆરીના ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે હવામાનમાં પલટો આવશે.

આ સમાચારને શેર કરો