રાજકોટમાં સમૂહ લગ્નમાં કરિયાવરમાં આપેલા દાગીના નકલી હોવાનો આરોપ, જાણો આયોજકે શું કરી સ્પષ્ટતા

રાજકોટમાં એક સમૂહ લગ્નમાં કરિયાવરમાં આપેલા દાગીના નકલી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે લખતરના પરિવારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. સમૂહ લગ્નના આયોજકો સામે નવઘણ રોજાસરાએ આરોપ લગાવ્યો હતો કે આયોજકોએ સોનાની જગ્યાએ બગસરાની વીટી આપી હતી. ચાંદીની વીટી પણ ધાતુની હોવાનો આરોપ અરજીમાં લગાવાયો હતો. નોંધનીય છે કે 27 એપ્રિલે 555 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા.

વિક્રમ સોરાણી, પીન્ટુ પટેલ, અક્ષય ધાડવી, રોશનીબેન પટેલ, રાહુલ શીશા, જયંતિ, પ્રિયંકાબેન સામે અરજી કરાઇ હતી.

27 એપ્રિલે રાજકોટમાં 555 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા. પરંતુ આ સમૂહ લગ્નમાં દાતાઓએ દીકરીઓને કરિયાવરમાં અસલીના બદલે નકલી સોનું આપ્યું હોવાના આરોપ લાગ્યા હતા. સુરેન્દ્રનગરના લખતરના પરિવારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ મામલે સમૂહ લગ્નના આયોજક વિક્રમ સુરાણીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો મુક્યો અને અપીલ કરી હતી કે દીકરીઓને દાતાઓ તરફથી ઘરેણા આપવામાં આવ્યા હતા. જો કોઈને પણ નકલી ઘરેણા આવ્યા હોય તો તેઓ પરત કરે અમે માફી માંગીએ છીએ. બીજી વખત આવું ન થાય તે માટે લિમિટેડ દીકરીઓના સમૂહ લગ્ન કરાવીશું.

વિક્રમ સોરાણીએ સ્પષ્ટતા કરી હતી કે દાતાઓએ પોતાના હાથે વસ્તુઓ આપી હતી. જે પણ વસ્તુઓ અપાઈ તે અમે આપી નથી. કુલ છ વસ્તુઓ દાતા તરફથી મળી હતી. જો કોઈ ભૂલ થઈ હોય તો તે દાતાથી થઈ છે. જો કોઈને નકલી વસ્તુ મળી હોય તો મારો સંપર્ક કરી શકે છે.

સમૂહ લગ્નના કરિયાવરમાં ફર્જીવાડા મુદ્દે વિક્રમ સોરાણીએ સ્પષ્ટતા કરી હતી કે કરિયાવરની યાદીમાં સમજફેર થઇ છે. કરિયાવરની કોઈ યાદી રાજકોટના સમૂહ લગ્નને લઈ જાહેર કરાઇ નથી. અમારા કાર્યકર્તાથી કોઈ ખામી રહી ગઈ હોય તો દીલગીર છું. કોઈ પણ અવ્યવસ્થા થઈ હોય તો હું માફી માગું છું. વીટી સોનાની આપવાની જ નહોતી. ઈમિટેશનની વીટી હતી અને તે જ અપાઈ છે. સોનાની વીટી આપવાની જાહેરાત જ ન થઈ હોવાની સોરાણીએ સ્પષ્ટતા કરી હતી. અમે સોનાની ચૂક કરિયાવરમાં આપી છે. સોનાની ચૂક નકલી હશે તો અમે બદલી આપીશું. એક પંચ ધાતુ અને એક ચાંદીનો સિક્કો કરિયાવરમાં અપાયો છે.

આ સમાચારને શેર કરો