658 બોટલ દારૂ-બીયરની 55 પેટીઓ મળી; કાર સહિત કુલ રૂ. 35.49 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાર આરોપીઓ ઝડપાયા અને અન્ય ચાર વોન્ટેડ
વાંકાનેર જકાતનાકા ચાર રસ્તા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે કાર્યવાહી કરી ટોયોટા ફોર્ચ્યુનર કારમાંથી રૂ. 10.41 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે કાર સહિત કુલ રૂ. 35.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ, SMCની ટીમે વાંકાનેર જકાતનાકા ચાર રસ્તા પાસે આવેલી જડેશ્વર મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન સામે જાહેર રસ્તા પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતી શંકાસ્પદ ટોયોટા ફોર્ચ્યુનર કાર નંબર RJ-14-UK-2540 અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની આશરે 55 પેટીઓમાં કુલ 658 બોટલો મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી રાજસ્થાનના ચાર શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં શ્રવણકુમાર બુદ્ધરામ બિશ્નોઈ, વિકાસકુમાર સહીરામ બિશ્નોઈ, અશોકકુમાર લધુરામજી બિશ્નોઈ અને રાહુલકુમાર રઘુનાથરામ બિશ્નોઈનો સમાવેશ થાય છે. ચારેય આરોપીઓ રાજસ્થાનના જાલોર જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગતો:
- વિદેશી દારૂ અને બીયરની બોટલો: 658 નંગ
- દારૂની કિંમત: રૂ. 10,41,674
- કાર સહિત અન્ય મુદ્દામાલ સાથે કુલ કિંમત: રૂ. 35,49,074
આ ગુનામાં સંડોવણીના આધારે કૈલાશ ઉર્ફે સંજુ બિશ્નોઈ (રાજસ્થાન), સંજીવ (હરિયાણા), વિપુલ (મોરબી) તેમજ વાહનના માલિક સહિત કુલ ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
#વાંકાનેર #SMC #દારૂપકડાયો #જકાતનાકા #પ્રોહિબિશન #મોરબીજિલ્લો #કપ્તાનન્યૂઝ
